મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આખા દેશને સુધારવાની બડાઓ મારે અને પોતે જ લાંચ લે તેવા ઘણા કિસ્સાઓ આપે જોયા જ હશે. સુરતમાં ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનું સ્થળ નિરીક્ષણ કરી અભિપ્રાય ઉપરની કચેરીને મોકલાવવા માટે એક અધિકારી દ્વારા લાંચ માગવામાં આવી છે.

તાલુકા પ્રાઈમરી એજ્યુકેશન ઓફીસર (વર્ગ-2) તરીકે સુરતના કામરેજ ખાતેની ઓફીસમાં કામ કરતાં 57 વર્ષિય બકુલસિંહ હિરાભાઈ ભીમાવત નામના અધિકારીએ શાળાના સંચાલક પાસે રૂ.3 લાખની લાંચ માગી હતી. શાળાના સંચાલકનું કામ એવું હતું કે ધોરણ 1થી 5 ઈંગ્લીશ મીડિયમ શાળાનું સ્થળ નિરીક્ષણ કર્યા પછી અભિપ્રાય ઉપરની કચેરીએ મોકલવાનો હતો.

આ કામની સામે બકુલસિંહ ભીમાવતે રૂ. 3 લાખની લાંચ માગી હતી. આ અંગે ઘણી રકઝક થયા બાદ રૂ. 1,90,000નો ભાવ નક્કી થયો હતો. આ અંગેની ફરિયાદ એસીબી (લાંચ રૂશવત બ્યૂરો, ગુજરાત)ને મળી જતાં તેમણે છટકું ગોઠવી દીધું. આજે શનિવારે તે છટકામાં ફસાઈ જતાં ભીમાવત એસીબીના હથ્થે ચઢી ગયો હતો.

સરકારના ક્લાસ 2 અધિકારીની ગૌરવ વંતિ પોસ્ટ પર કામ કરતાં આ શખ્સે નિવૃત્તિના થોડા જ સમય પહેલા આ ખુરશીને બદનામ કરી મુકી હતી. સરકારમાં કામ કરતાં ઘણા પ્રામાણિક અધિકારીઓ કર્મચારીઓ આવા જ કેટલાક શખ્સોને કારણે જાહેરમાં પણ બદનામ થતાં હોય છે. કારણ કે લોકો પછી તમામ અધિકારી કર્મચારીઓને એક જ ત્રાજવે તોલવા લાગે છે. હવે આ ઘટનામાં આરોપીનું આગળ શું થાય છે, કાયદાકીય આંટાપાંટામાં ક્યાં સુધી સજા મળે છે તે જોવું રહ્યું.