મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સેવાનો સાચો અર્થ એટલે દર્દી અને લાચાર વ્યક્તિની સેવા એ જ પ્રભુ સેવા. સુરતનો ઍક રિક્ષા ચાલક કોરોના જેવી મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને વિનામૂલ્યે ઘરે પહોંચાડવાની સેવા કરી રહ્યા છે.  બાવન વર્ષીય ખલિલ રિક્ષાવાળાની આ સેવાથી ખુશ થઇ રસ્તે કોઇ સુરક્ષા કર્મચારીઓ અડચણ રૂપ ન થાય ઍ માટે તેને પોલીસ કમિશનર અને કલેકટરે સ્પેશિયલ પરવાનગી આપી છે. ઍટલું જ નહીં પણ સિવિલ હોસ્પિટલના આરઍમઓ (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર)ઍ હોસ્પિટલના તમામ વોર્ડ-ઓપીડી અને ટ્રોમાં સેન્ટરમાં ખલિલનું નામ અને નંબર આપી જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં સહભાગી થવા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને વર્ગ ૪ના કર્મચારીઓને અપીલ કરી છે.  છેલ્લા ઍક પખવાડિયામાં ૬૦-૭૦ જેટલા દર્દીઓને ખલિલે વિનામૂલ્યે ઘરે પહોંચાડતા હવે તેને મિત્રો ખલિલ રિક્ષાવાળા તરીકે ઓળખતા થયા છે.

સેવાની જ્યોત જલતીરાખનારા ખલીલ નબી શેખ (ઉ.વ. ૫૨, રહેઃ ગોપીપુરા)એ જણાવ્યું હતું કે, સમાજ સેવા કરવાની ઇચ્છા તો મનમાં પહેલેથી જ હતી પણ આર્થિકભીંસ વચ્ચે બે પત્ની ૭ દીકરી અને બે પુત્રોનું જ ભરણ પોષણ કરવાની તકલીફ પડતી હોય તો સેવાનો ખ્યાલ મનમાં જ રહી ગયો હતો.  વિશ્વના માથે સંકટ સમાન કોરોના વાઇરસની મહામારી વચ્ચે પ્રભુઍ આ ઇચ્છા પણ પૂરી કરી દીધી છે. ૧૦૮માં સિવિલ આવતા દર્દી અને તેમના સગાઓને આર્થિક રીતે કે લોકડાઉનમાં લાચાર જોઇ નિઃશુલ્ક ઘરે છોડી આવવાની જવાબદારી ઉપાડતા રાત્રે ઊંઘ સરસ આવે છે.

ખલીલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઍક પખવાડિયાથી આ કામ કરી રહ્યો છું.  રસ્તે લોકડાઉનનું પાલન કરાવતા સુરક્ષા કર્મચારીઓ અટકાવતા અને સાચી હકીકત જણાવ્યા બાદ પણ ઘર્ષણ કરતા હોવાની વાત આખરે સિવિલના આરઍમઓ ડો. નાયકને કહેતા તેઓ મારી સેવા સાંભળી ચોંકી ગયા હતા. તાત્કાલિક આ બાબતે ઍમણે પોલીસ કમિશનર અને કલેકટર કચરીના લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી ઍમની પાસે મોકલી આપતા મને લેખિતમાં પરવાનો મળી ગયો હતો. આજે આ પરવાનો આગળના કાચ પર લગાડી દર્દીને છોડવા જાઉં છું પણ કોઇ સુરક્ષા કર્મચારી અટકાવતા નથી. આનંદ થાય છે આવી સેવા કરીને. મારા તમામ રિક્ષા ચાલક મિત્રોને ઍક સંદેશો આપવા માગું છું લાચાર અને આર્થિક તંગીવાળા દર્દીઓ પાસે ભાડું ન લો ભગવાન ઍના કરતાં વધારે આપશે.