મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: દિવાળી જેવા તહેવારો નજીક આવતા ગૃહિણીઓ ઘરની સાફ સફાઈમાં લાગી જતી હોય છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. સુરતમાં દિવાળી સમયે ઘરની સાફ સફાઈ કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં તહેવારની ખુશીનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો છે. સુરતના વરાછા વિસ્તારમાં એક મહિલા ઘરની સાફસફાઈ કરી રહી હતી. તે દરમિયાન બીજા માળથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે મહિલાના મોતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ સુરતમાં અનુરાધા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય લલિતાબેન જોગાણી દિવાળીના તહેવારને લઇને ઘરની સાફસફાઈ કરી રહ્યા હતા. ગેલેરીમાં સફાઈ કરતી વખતે અચાનક બીજા માળેથી નીચે પડ્યા હતા. ત્યારે નીચે બાઇક લઈને ઉભેલો યુવક પણ ચોકી ગયો હતો. પહેલે માળે ઊભેલી યુવતીને પણ એવું લાગ્યું કે નીચે કોઈ પટકાયું છે. દરમિયાન તેણે જોયુ તો લલીતાબેન ઉપરથી નીચે પડ્યા હતા. જેથી તેને બૂમાબૂમ કરી મુક્તા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.

Advertisement


 

 

 

 

 

લલીતાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલએ તેમને મૃત જાહેર કર્યા હતા. દિવાળીના થોડા સમય અગાઉ લલીતાબેનનું મોત થઈ જતાં પરિવાર શોકમાં મુકાય ગયો હતો. દિવાળીના સમયમાં ઘરની સાફસફાઈ કરતી મહિલા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.