મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના વરાછામાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. દીકરી ગુમ થયા પછી તેના પિતાને ફોન પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેણે તેમની પાસેથી રૂપિયા 10 લાખની માગણી કરી હતી. પિતાએ આ વાત પોલીસ સમક્ષ કરી અને પિતાની આ ફરિયાદે ભારે ઉહાપોહ મચાવી દીધો છે કારણ કે દીકરીનો ફોર્મેટ કરેલો મોબાઈલ મળ્યા પછી એક અજીબ રહસ્ય આ કેસમાં ઊભું થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી ડાહ્યા પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષિય લાખાભાી ભીખાભાઈ સોલંકી (મૂળ રહે ગીર સોમનાથ) એક હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે. તેમને બે દીકરી અને એક દિકરો છે. તેમના સંતાનો પૈકીની 20 વર્ષની દીકરી પાયલ હીરાબાગ ખાતે ફોક્સ ટ્યૂશનમાં સીએના કોચિંગ કરે છે. 28મીએ સાંજે પાયલ ઘરેથી બુક લેવા જઉં છું તેવું કહી નીકળી હતી જે પછી તે પાછી ઘરે આવી ન્હોતી. તેનો કોઈ અત્તોપત્તો પણ લાગતો ન્હોતો.

પરિવારજનોએ પાયલને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ બધું નિષ્પરિણામ રહ્યું. પરિવારને જ્યારે તેમના ઘરમાંથી દીકરીનો મોબાઈલ મળ્યો તો તેમણે તપાસ્યો તો તેમાંથી બધું જ ફોર્મેટ કરી દેવાયેલું હતું. જેથી શું તે જાતે ઘર છોડી ગઈ છે તેવો પ્રશ્ન ઊભો થયો પરંતુ આ દરમિયાનમાં પિતાને એક ફોન આવ્યો જેમાં 10 લાખ રૂપિયાની માગણી કરાઈ જેથી પરિવારને મોટી ચિંતા ઊભી થઈ છે. પરિવાર માટે તેની સલામતીને લઈને પરેશાનીનું વાતાવરણ ઊભું થયું છે.

Advertisement


 

 

 

 

 

આ ફોન કોઈ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો અને કહ્યું કે છોકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા લઈને આવો. બસ આટલું કહી ફોન કાપી નાખ્યો હતો. પિતા લાખાભાઈએ આ ફોન પર વારંવાર વળતા ફોન કર્યા પરંતુ તેમની વાત શક્ય બની નહીં. તે નંબર પછી સ્વીચ ઓફ આવી રહ્યો હતો.

મામલો પેચિદો બની ગયો હતો. પિતા લાખાભાઈએ આ મામલે વરાછા પોલીસની મદદ માગી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ અને ખંડણી અંતર્ગત ફરિયાદ નોંધી અને સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે હીરાબાગ શાકભાજી માર્કેટ કાપોદ્રા પોપડા સુધી ચાલતી જતી જોવા મળી હતી.

બીજી બાજુ પોલીસ તપાસમાં કેટલીક બાબતો સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીને કોઈ યુવક સાથે મિત્રતા હતી જે યુવક પણ ગુમ છે જેથી પ્રેમ પ્રકરણ જેવી આશંકા ઊભી થઈ છે પરંતુ પોલીસ માટે 10 લાખ રૂપિયાની માગણી કરતો ફોન હજુ પણ એક પ્રશ્ન છે કારણ કે બંને કોઈ મુશકેલીમાં હોય તેવી આશંકાઓ પણ હોઈ શકે છે અથવા પોલીસને ગેરમાર્ગે દોરવા પણ આ ખંડણી વાળો કોલ કરી બધું ઊપજાવી કાઢ્યું પણ હોઈ શકે છે. પોલીસ જોકે તપાસ દરમિયાન બાબતના મૂળ સુધી પહોંચી જશે તેવો લોકોને વિશ્વાસ છે.