મિલન ઠક્કર (મેરાન્યૂઝ.સુરત): સુરત BRTSમાં ટિકીટના પૈસા લઈ કંડક્ટર્સ મુસાફરોને ટિકીટ નહીં આપતાં હોવાની માહિતી સુરત મનપાના કોર્પોરેટર દિનેશ કાછડિયાને મળી હતી પરંતુ તેઓને શરુઆતમાં વિશ્વાસ આવતો નહોતો. જ્યારે ફરિયાદો વધવાં લાગી ત્યારે તેઓ શુક્રવારે ૭:૩૦ કલાકે જાતે ચકાસણી કરવાં નીકળ્યા હતા અને સોશિયલ મિડીયાના માધ્યમથી સમગ્ર ઘટના લાઈવ પ્રસારિત કરી હતી. (વિડીઓ અંતમાં દર્શાવ્યો છે.) જેમાં  સુરત BRTSમાં પૈસા લઈને ટિકીટ નહીં આપવાનું કંડક્ટરોનું કૌભાંડ સામે આવ્યું હતું.

શુક્રવારે સાંજે ૭:૩૦ કલાકે દિનેશ કાછડિયા રૂટ નં ૧૦૩ની BRTSમાં ઉતરાણ સર્કલથી મોટા વરાછા ફાયર સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. કંડક્ટરે તેમની પાસે પણ પૈસા લીધા હતા, પણ ટિકીટ આપી નહોતી. તેઓએ બસમાં મુસાફરી કરતાં અન્ય મુસાફરોને પણ પુછપરછ કરી હતી. જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે, માત્ર એક જ મુસાફરને ટિકીટ આપી હતી અને બાકીના લગભગ ૩૦ મુસાફરોને પૈસા લઈને ટિકીટ આપી નહોતી. જ્યારે દિનેશભાઈએ કંડક્ટરને આ વિષે પુછતાં કંડક્ટરે પણ પોતાનો ગુનો કબૂલ કરતાં જણાવ્યું હતું કે, જો અમારો પગાર વધારી આપો તો અમે આવું ના કરીએ.

દિનેશભાઈનું કહેવું છે કે, જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ટિકીટ લઈને જ મુસાફરી કરો. જો કન્ડક્ટર ટિકીટ ના આપે તો દલીલ કરો અથવા મને જાણ કરો, હું તમારી ફરિયાદ સાંભળીશ. તેનું નામ અને બસ નંબર લઈને ફરિયાદ કરો. કોઈએ ડરવાની જરૂર નથી. આ સમગ્ર ઘટના બાદ દિનેશભાઈએ આ બનાવ અંગે સુરત શહેર કમિશ્નરને ટેલિફોનિક જાણ કરી છે અને સુરત BRTSના સંચાલક કમ્લેશ નાયકને પણ જાણ કરી છે. તથા યોગ્ય પગલાં લેવાં જણાવ્યું છે.

દિનેશભાઈનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં સુરત મનપાને ૨૬૦ કરોડનું નુક્સાન છે. જો આવું જ ચાલશે તો બીજું ૧૨૦ કરોડનું નુક્સાન આ વર્ષે થશે અને એનો બોજો સુરતની જનતા પર જ આવશે. જે એમને વેરા રૂપે ભરપાઈ કરવો પડશે. દિનેશભાઈના જણાવ્યા મુજબ BRTSમાં રોજના ૭થી ૮ લાખ મુસાફરો મુસાફરી કરે છે. એ મુજબ રોજનું ૫૦ લાખનું નુક્સાન સુરત મનપાને જાય છે. સિઝન પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે પરંતુ એક મહિનાનો સિઝન પાસ ૫ વર્ષ સુધી પણ ચલાવી શકાય એમ છે. કારણ કે ચેકિંગ કરવાની કોઈ સિસ્ટમ જ નથી.

સુરત BRTSનો કોન્ટ્રાક્ટ અન્ય એક કંપની પાસે છે. જેમાં ડ્રાઈવરને પ્રતિ માસ ૪૬,૦૦૦ અને કંડક્ટરને પણ નિશ્ચિત્ત પગાર ચુકવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની દર મહીને પી.એફ. સહિતની પગાર સ્લીપ અને રિપોર્ટ રજૂ કરે પછી જ મનપા દ્વારા પૈસા ચૂકવવામાં આવે છે. આથી પગાર અને પૈસાની બાબતમાં દિનેશભાઈ કહે છે, કાં તો આ કન્ડક્ટર ખોટા હોઈ શકે, કાં તો જે પગારના રિપોર્ટ આવે છે તે ખોટા હોઈ શકે અથવા મનપાની મિલીભગત પણ હોઈ શકે છે.