મેરાન્યૂઝ નેટવર્ક. સુરત: અત્યારે સરકારી નોકરી મેળવવાનું કામ ખૂબ જ કપરું બની રહ્યું છે તેવા સંજાગોમાં માત્ર અને માત્ર એક જ હજાર રૂપિયાની લાંચમાં એક મહલિા તલાટી કમ મંત્રીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં પેઢી નામુ બનાવવાના બદલામાં રૂ. ૧ હજારની લાંચ લેતા પકડાયા છે. જેની સાથે એક વચેટિયાને પણ લાંચ રુશ્વત વિરોધી શાખાએ પકડી પાડ્યો છે.

અડાજણ ગામના દાળિયા સ્કૂલની બાજુમાં આવેલી સિટી તલાટીની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પાલનપોર ગામના તલાટી અને અડાજણનો વધારાનો ચાર્જ ધરાવતાં હિરલ નવીનચંદ્ર ધોળકિયા અને કાંતિ ગોવિંદભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.

આ તલાટી પાસે એક પેઢી નામું તૈયાર કરાવવાનું હતું. જેના બદલામાં રૂ. ૧.૫૦૦ની લાંચની માગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂ. ૧ હજાર આપવાનું નક્કી થયું. પણ, બન્યું એવું કે પેઢી નામુ તૈયાર કરનારી વ્યક્તિ આ રકમ આપવા ઇચ્છતી ન હોવાથી એન્ટિ કરપ્શન બ્યૂરોના અધિકારીઓનો સંપર્ક કરી લાંચના છટકાનું આયોજન કર્યં હતું. અડાજણ તલાટીની ઓફિસમાંથી જ બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી પોઈ એસ.એન. દેસાઇ અને તેમની ટીમે કરી હતી.