મેરાન્યૂઝ નેટવર્ક. સુરત: લેઉવા પટેલ સમાજનાં વૃદ્ધાને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યાં હતા. તેમના પરિવારજનોએ અંગોનું દાન કરવાની સંમતિ દર્શાવી એ સાથે જ કીડની, લીવર અને ચક્ષુઓનું દાન પ્રાપ્ત થયું હતું. સાત દિવસમાં પાંચ વ્યક્તિનાં 23 અંગોનું દાન મેળવવાની ઘટના રાજ્યમાં પ્રથમ છે.
સુરતમાંથી માત્ર સાત જ દિવસમાં પાંચ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોએ 23 અંગોનું દાન કરતાં 23 લોકોના જીવનમાં આનંદ સાથે પરિવર્તન લાવી શકાયું છે. સાત દિવસમાં 23 અંગોનું દાન મેળવવાની આ રાજ્યભરની પ્રથમ ઘટના હોવાનો દાવો ડોનેટ લાઇફે જાહેર કર્યું છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રુપાવટી ગામના વતની અને સુરમાતં સ્વામિનારાયણ નગર વિભાગ-1, પૂણા-બોમ્બે માર્કેટ રોડ, વરાછા ખાતે રહેતાં લેઉવા પટેલ પરિવારનાં પ્રેમિલાબહેન મનજીભાઈ ગોયાણી (ઉ.વ.77) ગઈ તા. 5-6-18ના રોજ સવારે સાડા પાંચ વાગ્યે તેમના ઘરે પડી ગયા હતા. જેથી તેમને માથાના ભાગે ઇજા થઈ હતી. તબીબી સારવાર કારગત નીવડે એ પૂર્વે પ્રેમિલાબહેન બ્રેનડેડ થઈ ગયા હતા. એ સાથે જ તબીબોએ ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાનો સંપર્ક કર્યો હતો.
એ સાથે જ ડોનેટ લાઇફની ટીમે પ્રેમિલાબહેનના પુત્રોનો સંપર્ક કરી અંગ દાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાપડ ઉદ્યોગના વ્યવસાય સાથે સંકલાયેલા આ પરિવારે પોતાની માતાનાં અંગોનું દાન આપવાની સંમતિ આપી હતી. જેના કારણે કીડની, લીવર અને ચક્ષુઓનું દાન મેળવવામાં સફળતા સાંપડી હતી. દાનમાં મળેલી બે કીડનીમાંથી એક કીડની ગાંધીનગરના યોગેશસિંહ લાલચંદભાઈ ભાટી (ઉ.વ.55) અને બીજી કીડની અમદાવાદ રહેતા કમલેશ જયંતીભાઈ પંડિત (ઉ.વ.53)માં ટ્રાન્સ પ્લાન્ટ કરાઈ હતી. જ્યારે લીવર જૂનાગઢના હેમાબહેન દેવાનંદ કંજાણી (ઉ.વ. 554)માં ટ્રાન્સ પ્લાન્ટ કરાઈ હતી.
ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ કહ્યું હતું કે તા. 3થી 9 જૂન દરમિયાનના સાત દિવસમાં સુરતની અલગ અલગ હોસ્પિટલમાં પાંચ વ્યક્તિને તબીબોએ બ્રેનડેડ જાહેર કરી હતી. જેનાં 23 અંગોનું દાન પ્રાપ્ત થયું હતું. આ રીતે સાત દિવસમાં 23 અંગોનું દાન મળ્યું હોય તેવી આ રાજ્યની પ્રથમ ઘટના છે.