મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: હજી થોડાક કલાકો જ વીત્યાનાં અરસામાં સુરતમાં અન્ય એક બ્રેન ડેડ વ્યક્તિના ઓર્ગન્સનું ડોનેટ લાઈફ થકી જરૂરીયાતમંદને એ ઓર્ગન્સ ડોનેટ કરી તેમને મદદરૂપ થયા.

આખી વાતની વિગત એવી છે કે, ગુરુવાર ૧૮મી જાન્યુઆરીના રોજ હરેશભાઈ ઉમરવાડા આંજણા ફાર્મમાં  આવેલ પોતાના એમ્બ્રોઇડરી યુનિટ પરથી રાત્રે ૧૦:૦૦ કલાકે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે VIP સર્કલ, ઉત્રાણ, મોટા વરાછા પાસે ગાડી સ્લીપ થઇ જતાં તેમનું માથું ડીવાઈડર સાથે ભટકાતા માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં કિરણ હોસ્પીટલમાં રાત્રે ૧૦:૩૦ કલાકે ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જ્યારે બુધવાર તા: ૨૪મી જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડોક્ટરોએ હરેશભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.

બ્રેનડેડની જાણ થતા જ કિરણ હોસ્પીટલના મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. સ્નેહલ પટેલે ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હરેશભાઈના બ્રેનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. સ્નેહલ પટેલની સાથે રહી હરેશભાઈના ભાઈ મહેશભાઈ, પિતરાઈ મુકેશભાઈ, ચિરાગભાઈ, ભરતભાઈ, રવિભાઈ તેમજ પરિવારજનો અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી  કિડની  તથા  લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.         

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ  સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની રાજકોટના રહેવાસી અખિલ રસુલભાઈ બુધિયા ઉ.વ. ૨૩ અને બીજી કિડની કાનપુર, ઉત્તરપ્રદેશના રહેવાસી સર્જન ડૉ. અનીલ મિશ્રા ઉ.વ.૨૫માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જયારે લિવર રીસર્ચ માટે રાખવામાં આવ્યું છે.

અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં હરેશભાઈના પત્ની શોભાબેન, ભાઈશ્રી મહેશભાઈ, પિતરાઈ ભાઈઓ મુકેશભાઈ, ચિરાગભાઈ, ભરતભાઈ, રવિભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન
ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશ્યન ડૉ. કૃણાલ નાથ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. વિતરાગ શાહ, ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. સ્નેહલ પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલા, સેક્રેટરી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, સુભાષ જોધાણી અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.