મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ જે પતંગને હવા પણ આપવાની ન હોય તેના પર લોકો તુક્કલ ચગાવી દેતા હોય છે ને પછી તુકલની જ્યોતનું શું થાય છે તે બધા જાણીએ છીએ, ગેરકાયદે કામ કરી પોલીસ ચોપડે ચઢવું તે કોઈ ક્વોલિફિકેશન કે અચિવમેન્ટ નથી હોતું છત્તાં સુરતમાં એક બુટલેગર જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ભવ્યકારના કાફલા સાથે નેતાની જેમ રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરામાં પણ એક હત્યાના આરોપીને જ્યારે જામીન મળ્યા ત્યારે તેણે પણ જેલથી પોતાના ઘર સુધી ઓડી કારમાં રેલી કાઢી હતી આવું જ કાંઈક આ ઘટનામાં પણ બન્યું છે.

મળી રહેલી વિગતો અનુસાર, સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાના આરોપ જેના પર છે તેવો કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા એક ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે પર જોરદાર અવાજ સાથે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા મુવીના એ માન્યા... સોંગ પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા... ભાઈ બોલે તો પીને કા... આવા શબ્દો સાથે વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.

તેની જેગુઆર કારની આગળ અને પાછળ અન્ય લક્ઝૂરિયસ કારનો કાફલો હતો. કોઈ નેતાની જેમ આગળ પાછળ સ્કોર્પીઓ જેવી ગાડીઓનો કાફલો હતો. બુટલેગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર જોવાઈ રહ્યો છે અને લોકો તંત્રની કામગીરી પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. આ રેલી બુટલેગરે પોતાને ઉપ સરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવી હતી. જોકે હરખ કરતાં આ રેલી વિસ્તારમાં પોતાનો રૌફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો જોયું ને... તેવું બતાવવાનું વધુ હતું. 

Advertisement


 

 

 

 

 

સનરુફમાંથી બહાર આવી આ બુટલેગર લોકોનું નેતાની જેમ અભિવાદન કરતો પણ નજરે પડે છે. સમર્થકો પણ ચીચીયારીઓ પાડીને તેને નાહક હવા આપતા હોય તેવું પણ જોઈ શકાય છે. અહીંના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાંથી નીકળેલી આ રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ છે. બીજી બાજુ મહામારીને ગાઈડલાઈનના પાલનની તો અહીં વાત જ કરાય નહીં તેવી સ્થિતિ જોવા મળી હતી.