મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કામરેજ વિધાનસભા વિસ્તારનાં ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની કામગીરી સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. આ વખતે લોકોએ તેનાં પોસ્ટર પર કાળી શાહી લગાવી રોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ પોસ્ટર્સમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રસિંહના જ મોંઢા કાળા કરવામાં આવ્યા હતા જ્યારે નીતિન પટેલ, જીતુ વાઘાણી અને ઝાલાવડિયાના ચહેરા પર કાળી શાહી લગાવાઈ ન હતી. જેને લઈને પણ અનેક તર્ક-વિતર્કનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

ઝાલાવડિયાએ પોતાના મતદારોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના પદાધિકારીઓના ફોટા સાથે બેનર્સ લગાવ્યાં હતાં. જેમાં મંગળવેર રાત્રી દરમિયાન કેટલાક વિરોધીઓએ આ પોસ્ટરો પર કાળી શાહી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને કેટલાંક સ્થળોએ વી.ડી. ઝાલાવાડિયાનાં બેનર્સ ફાડી નાખીને પણ વિરોધ વ્યક્ત  કરાયો હતો.

કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ પોતાના મત વિસ્તારમાં લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સરથાણા, યોગીચોક, પુણા, કિરણચોક, શ્યામધામ, સીમાડા વગેરે વિસ્તારમાં મસમોટાં બેનર્સ લગાવ્યાં હતાં. એ બેનર્સમાં મંગળવારે રાત્રે કેટલાક લોકોએ ભાજપના પદાધિકારીઓના ચહેરા પર કાળી શાહી લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. વી.ડી. પ્રત્યે લોકોનાં માનસમાં એટલી હદે રોષ જોવા મળી રહ્યો છે કે, કેટલાંક સ્થળોએ તો બેનર્સ પણ ફાડી નાખવામાં આવ્યાં છે. એક ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ માટે આટલા રોષથી આ પ્રકારના કૃત્યને લઈને રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયાં છે.

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પણ વી.ડી. ઝાલાવાડિયા અનેક વિવાદોનાં ઘેરામાં આવી ચૂક્યા છે. જેમાં રેતીચોરી કૌભાંડમાં વી.ડી. ઝાલાવાડિયાના પુત્રનું નામ મોખરે રહ્યું હતું. જેમાં વરાછાના નાના વરાછામાં રહેતા લલિત ડોંડા અને અલ્પેશ ડોંડાની બેલડીએ વીડીના પુત્ર વિરુદ્ધ તાપીમાંથી રેતી ચોરી કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પાછળથી ફરિયાદીને ધાક-ધમકીની પણ મળી હતી અને આ અંગે ફરિયાદીએ પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી હતી.