મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાજનેતાઓ કામ કરે તેના કરતા તેનો પ્રચાર વધુ કરે છે. રાજનેતા માને છે કે તેમણે પ્રજા માટે જે કર્યુ તે પ્રજા ઉપર ઉપકાર કર્યો છે, કયારેક આવુ કરવામાં કાયદાનું પણ ભાન રહેતુ નથી  ગત વર્ષે સુરતના ભાજપના મહિલા સાંસદ દર્શનો જરદોશ તાપી નદિ કિનારે ચાલતા સફાઈ ઝુંબેશની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચી ગયા જયાં તેમણે સફાઈ કામગીરી કરી રહેલા એક જેસીબી મશીનની ડ્રાઈવીંગ સીટ ઉપર બેસી પ્રતિકાત્મક કામ કર્યુ હતું આ ઘટનાનો વિડીયો ત્યારે પણ વાયરલ થયો હતો અને ખુદ જરદોશે પોતે પણ તે ઘટના ટવીટ કરી હતી. પરંતુ આ મામલે એક નાગરિકે પોલીસે સમક્ષ સતત ફરિયાદ કરતા સુરત પોલીસે થાકીને સાંસદ જરદોશને લાઈસન્સ વગર જેસીબી ચલાવવાના આરોપસર રૂપિયા 500નો દંડ કર્યો હતો

તા 4 મે 2018ના રોજ સુરતની તાપી નદીના કિનારે સફાઈની કામગીરી ચાલી રહી હતી, આ કામગીરીમાાં પોતાનું પણ યોગદાન છે તેવુ બતાડવા માટે અનેક નેતાઓ પહોંચી ગયા હતા કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફાઈના હિમાયતી હોવાને કારણે દરેક નેતાઓ પોતાની આ  કામગીરીની વડાપ્રધાન નોંધ લે તેવા પ્રયાસ કરે છે. આ ઝુબેશ દરમિયાન ત્યાં પહોચેલા સાંસદ દર્શના જરદોશ કચરો અને કાટમાળ ઉપાડી રહેલા જેસીબીના ડ્રાઈવરને નીચે ઉતારી પોતે જેસીબી મશીન ચલાવી કચરો ઉપાડયો  હતો આ ઘટના કચકડે પણ કંડારાઈ હતી.

આ મામલે સુરતના એક નાગરિક સંજય ઈઝાવા દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી આ ઘટનામાં કાર્યવાહી કરવાની માગણી કરતા પોલીસ તરફથી જવાબ મળ્યો હતો કે સાંસદ દર્શનાએ કામદારોનો ઉત્સાહ વધારવા માટે જેસીબી ચલાવ્યુ હતું આમ ઈઝાવાની અરજી દફતરે કરી દેવામાં આવી હતી, જો કે ઈઝાવાને તેનાથી સંતોષ નહીં થતાં તેમણે ફરી કમિશનર સામે ફરિયાદ કરી જરદોશ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી, પરંતુ ત્યાર બાદ શુ કાર્યવાહી થઈ તેનો કોઈ જવાબ મળ્યો ન્હોતો,

આથી સંજય ઈઝાવાએ આરટીઆઈ કરી પોલીસે જરદોશ સામે કરેલી કાર્યવાહીની જાણકારી માગતા સુરત પોલીસે જવાબ આપ્યો હતો કે દર્શના જરદોશે લાઈસન્સ વગર જેસીબી ચલાવ્યુ તેના માટે તેમની પાસે તા 24 ઓગષ્ટના રોજ પાંચસો રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો છે, જુઓ આ વિડીયો