મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ સ્ટાર પ્રચારકો સાથે મેદાનમાં આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં મગ્ન છે. ત્યાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના હોમ ટાઉન સુરતમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. અને પાટીદારોના ગઢમાં સીઆર પાટીલની જંગી બાઈક રેલી નીકળી હતી. ઠેર-ઠેર પાટીદારો દ્વારા આ રેલીનું ઢોલ-નગારા અને ફૂલોથી ભવ્ય સ્વાગત કરાયું હતું. જો કે સ્વાગત ઉત્સાહમાં કોરોના ભુલાયો હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનો સરેઆમ ભંગ થયો હતો.


 

 

 

 

 

સુરતના સરથાણાથી ભાજપની ભવ્ય બાઈક રેલી નીકળી હતી. આ રેલીમાં ધારાસભ્યો અને સાંસદો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને વરાછા તેમજ લિંબાયત વિસ્તારમાં પણ પાટીલની રેલી નીકળી હતી. જેમાં ઢોલ-નગારા સાથે ઠેરઠેર પાટીદાર  ગઢમાં પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. સુરતમા વોર્ડ નંબર 3, 4, 5, 14, 15, 16, 17માં રેલી ફરી હતી. બાદમાં સુરતના પર્વત પાટીયા ખાતે પહોંચીને બાઈક રેલી પૂર્ણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાયા હતા. લગભગ 2 કિલોમીટર સુધી લાંબી રેલી નીકળી હતી. જેમાં સીઆર પાટીલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રચારના દ્રશ્યોમાં હજારોની સંખ્યામા કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. આ તકે પાટીલે કહ્યું હતું કે, અહીં જોડાયેલા લોકોની સંખ્યા બતાવે છે કે, ભાજપમાં લોકો વિશ્વાસ ધરાવે છે.