મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોવિડ 19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસ અધિકારીએ જ સરકારી નિયમનો ભંગ કર્યો ને ભારે થઈ. આખરે આ વાત સુરત રેન્જના આઇજીપી સુધી પહોંચી, એ સાથે જ એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ભાજપના નેતા ગામીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

બે દિવસ પૂર્વે એટલે કે તા. 30મી નવેમ્બરે તાપી જિલ્લાના ડોલવાડા ખાતે પૂર્વ મંત્રીના પુત્ર જિતુ ગામીતે લગ્ન, સગાઇ અને તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. જેમાં કોવિડ 19ની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થયો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેમાં તાપીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે.ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પણ હાજર હતા. આ ઘટનાની જાણ સુરત રેન્જના આઇજીપી ડો. રાજકુમાર પાંડિયનને થતાં તેમણે પૂરતી તપાસ કરાવ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે. ચૌધરી તેમજ જમાદાર અનિરુદ્ધસિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

જેમાં કારણ દર્શાવ્યું હતું કે સરકાર દ્વારા કોવિડ 19 મહામારીને કાબૂમાં લેવા માટે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અને માર્ગદર્શિકા સંદર્ભે પોતે જાણકાર હોવા છતાં આ કાર્યક્રમમાં હાજર રહી પ્રજામાં પોલીસ વિભાગની છાપ ખરાબ કરી ફરજમાં ગંભીર ઉપેક્ષા દાખવી હોવાથી બન્નેને તાત્તકાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે છે. 

તો આ ઉપરાંત પોલીસની પરવાનગી વગર મોટા પાયા પર કાર્યક્રમનું આયોજન કરનારા પૂર્વ મંત્રીના પુત્ર  જિતુ ગામીત સામે આઇપીસીની કલમ 188, 269, 270, જીપી એક્ટ કલમ 135 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 (બી), એપેડેમિક એક્ટની કલમ 3 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગામિતની ધરપકડ પણ કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોવિડ 19ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારાને સસ્પેન્ડ કરવાનો પ્રારંભ પણ સુરત રેન્જના આઇજીપી ડો. રાજકુમાર પાંડિયને જ કર્યો હતો. પ્રારંભે બે અધિકારીઓ મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયા તે વખતે પણ બે અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. ત્યાર બાદ વધુ એક વખત એક અધિકારી અને એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. આ રીતે અસરકારક કામગીરી અન્ય કોઇ જગ્યાએ થતી હોવાનું ધ્યાન પર આવ્યું નથી. ત્યારે સુરત રેન્જના આઈજીપીની આ કામગીરી અભિનંદનને પાત્ર રહી છે.