મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરત રેંજ આઈજીના ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતા વિવાદાસ્પદ એ.એસ.આઈ.મહાદેવ સેવાઈકર અને એક કેમિકલ ચોરને અમદાવાદ એ.સી.બી.ની ટીમે કીમ ચાર રસ્તા પાસે એક બાયોડીઝલના વેપારી પાસેથી રૂ.4.૫૦ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા.છેલ્લા ઘણા સમયથી મહાદેવ આ બાયોડીઝલના વેપારીને ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને ધમકાવતો હતો અને રૂ.૯ લાખ માંગ્યા હતા.પહેલા રૂ.4.૫૦ લાખ લઇ લીધા હતા.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,હમેશા કોઈને કોઈ વિવાદમાં રેહતો એ.એસ.આઈ.મહાદેવ કિશનરાવ સેવાઈકર હાલમાં રેંજ આઈ.જી.રાજકુમાર પાંડિયનના ફલાઈંગ સ્ક્વોડ માં ફરજ બજાવતો હતો.આર.આર.સેલ નું વિસર્જન થઇ ગયા બાદ ફ્લાઈંગ સ્કવોડ શરુ કરવામાં આવ્યો હતો.

કીમ વિસ્તારમાં બાયોડીઝલ વેચતા એક વેપારીને મહાદેવ ઘણા સમયથી ધમકાવતો હતો અને ધંધો ચાલુ રાખવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપતો હતો.જેમાં કોસંબાના કેમીકલ ચોર વિપુલએ મધ્યસ્થી કરી હતી.અને છેલ્લે ૯ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.જે પેટે ના રૂ.4.૫૦ લાખ પહેલા આપી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂ.4.૫૦ લાખ માટે મહાદેવ કિશનરાવ સેવાઈકર અને વિપુલ બાયોડીઝલના વેપારીને ફોન કરી રહ્યા હતા.જેથી વેપારીએ આ બાબતે અમદવાદ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

જેના અનુસંધાને આજે અમદાવાદ એ.સી.બી.ની ટીમએ કીમ ચાર રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતું અને આજે સાંજે મહાદેવ કિશનરાવ અને વિપુલ લાંચની રકમ રૂ.4.૫૦ લાખ લેવા માટે આવ્યા તે સમયે જ એ.સી.બી.ની ટીમે બન્ને ને લાંચની રકમની સાથે ઝડપી લીધા હતા.રેંજ આઈ.જી.ના ફ્લાઈંગ સ્કવોડનો જમાદાર લાંચ લેતા ઝડપાયો હોવાની વાત પોલીસ વિભાગમાં ફેલાઈ ગઈ હતી.જેની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી.

જોકે મહાદેવ કિશનરાવ અગાઉ જયારે જીલ્લા એલ.સી.બી.માં હતો ત્યારે પણ તેની કામગીરી હમેશા વિવાદાસ્પદ રહી હતી.અમદાવાદ એ.સી.બી.ની ટીમે મહાદેવ  કિશનરાવ સેવાઈકર અને વિપુલની ધરપકડ કરી હતી.