મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ આઝાદી પહેલાના વખતથી જે જગ્યાએ બજાર ભરાઈ રહ્યું હતું તે ચૌટા બજારમાંથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુરત મહાનગરપાલિકાએ યથાવત રાખી છે. તો સામા પક્ષે ગરીબ લોકોની રોજીરોટી છિનવાઈ રહી હોવાની વાતને ધ્યાને લઈ મ્યુનિસિપલ  કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

મહાપાલિકાએ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં સોમવારે પાલિકા કમિશનરે ચૌટા બજારની મુલાકાત લીધા બાદ દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જેથી મંગળવારે પાલિકાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચૌટાબજારમાં છેલ્લા 15 દિવસથી સેન્ટ્રલ ઝોને દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી છે તેમ છતાં દબાણકર્તાઓ પોતાના સાધનસરંજામ લઈને ધંધો ધમધમાવવા માંડે છે. ત્યારે સોમવારે  કમિશનરે ચૌટાબજારમાં સવારે રાઉન્ડ પર નીકળતા અધિકારીઓનો કાફલો દોડતો થઈ ગયો હતો. કમિશનરે ચૌટા બજારની બંને ગલીમાં રાઉન્ડ લીધો હતો અને રસ્તા નડતરરૂપ ઓટલાના દબાણો તોડી એલાઈમેન્ટનો અમલ કરવા આદેશ આપ્યો હતો. જેથી આજે પાલિકાનો કાફલો ચૌટાબજાર પહોંચ્યો હતો. અને ગરેકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

ચૌટા બજારની બંને ગલીઓમાં કમિશનરે જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં તેમણે જોયું કે, ખરીદી કરવા આવનારી મહિલાઓ તેમના વાહનો  રાજમાર્ગ પર મુકીને દબાણ કરે છે.  ચૌટા બજારમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોય તે મામલે ઓન સ્ટ્રીટ પાર્કિંગ જરૂરી હોવાનું જણાતા તેમાં આગળ વધવાની પણ સૂચના આપી છે.

ચૌટા બજારમાં પાથરણા લગાવીને રોજી રોટી રળનારા લોકોએ મોરચો લાવીને પાલિકા કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અને આ એક ઐતિહાસિક બજાર છે વર્ષો જુનું બજાર હોય ત્યાં આઝાદી પહેલાના સમયથી આ પ્રકારે બજાર ભરાતું આવ્યું છે. તેના પર ગરીબી રેખા નીચે જીવતા લોકો આજીવિકા રળે છે. પાલિકા દ્વારા લારી-ગલ્લા કબજે કરવા દબાણ હટાવવાની કામગીરીને લીધે રોજીરોટી છિનવાઈ રહી છે. તેવા સંજોગોમાં પાલિકાના સત્તાધીશોએ આ મુદ્દે પણ વિચારવું જોઇએ એવી રજૂઆત કરવામાં આવી હતી.