મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના વરાછામાં ખુલ્લા હથિયારો સાથે બિન્દાસ્ત ફરતી લેડી ડોન ભૂરીએ ફરી આતંક મચાવી મુક્યો છે. અગાઉ પણ હોળીના દિવસે તેનો ધાતક હથિયાર સાથે ભર બજારમાં ઉહાપોહ મચાવતો વીડિયો વાયરલ થયો હતો. ફરી એકવાર તેને વરાછા વિસ્તારના એક ગલ્લા પાસે ખુલ્લી તલવાર સાથે જોવામાં આવી છે. તલવાર સાથે બિન્દાસ્ત ફરતી ભૂરી ડોનનો આ વીડિયો બે દિવસ અગાઉનો છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં પોલીસે  વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ ભૂરી હોળીના દિવસે ખુલ્લા હથિયાર સાથે રોડ પર ઉહાપોહ મચાવતી હતી તે વીડિયો વાયરલ થયો હતો. તે લિવ ઈનમાં રહેતી મૂળ સૌરાષ્ટ્રની વતની છે. આ વખતે પણ તે ખુલ્લી તલવામાં જોવા મળી છે. તેણે ખુલ્લી તલવાર સાથે પાનના ગલ્લા પર ફરતી દેખાઈ હતી. તે ત્યાં મોંઢા પર રૂમાલ જેવું બાંધેલા એક તેના સાથી પંટર સાથે બાઈકની પાછળ બેસીને આવી હતી. તેણે પહેલા તો પોતાના પંટર સાથે મળી ત્યા બે બાઈક ચાલકોને રવાના કર્યા અને બાદમાં ગલ્લા વાળાની સાથે કાંઈક વાત કરી હતી અને તે પછી પોતે બાઈક ચલાવીને ટર્ન લેતી નજરે પડી હતી.

અગાઉ જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા હતા. જેમાં કેટલાક દિવસો સુધી ભૂરી ડોન અને તેનો બોયફ્રેન્ડ સંજુ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, જોકે બાદમાં પોલીસે તેને ઝડપી પાડી હતી. હાલ આ કેસમાં ભૂરી જામીન પર બહાર ફરી રહી છે. જોકે તેનું આ રીતે ખુલ્લી તલવાર સાથે શહેરના જાહેર રસ્તાઓ પર ફરવું લોકો માટે કેટલું સલામતી ભર્યું છે તે એક સવાલ છે.