મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: શહેરના છેવાડાના ગામ પાસે રહેતી સગીર વિદ્યાર્થિની ઉપર છ મહિના પહેલા પડોશી યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જયારે તેના ત્રણ મિત્રોએ શારીરિક અડપલાં કર્યાં હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પોલીસે સગીરાની માતાની ફરિયાદને આધારે બે મહિલા સહિત આઠ સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાના મુખ્ય આરોપી પડોશી યુવકે પાંચ મહિના પહેલા જ વતન વિસાવદરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

ફરિયાદ પ્રમાણે સુરત શહેરના છેવાડાના ગામ ખાતે રહેતા અજય દલા બુહાએ તેના ઘર નજીક રહેતી ધો-૯માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય પૂજા (નામ બદલ્યું છે.)ને તેની બાજુમાં રહેતા શ્રધ્ધાબેન ભરતભાઈના ઘરે બોલાવી તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો હતો ત્યારબાદ તેના પંદરેક દિવસથી પછી ફરી અજયે તેના મિત્ર કુમનના ઘરે બોલાવી બળાત્કાર કર્યો હતો તે વખતે કુમનભાઈના પાર્કિંગમાં તેના મિત્ર સાગર, પાર્થ અને વિશાલે બાવડુ પકડી ખેંચી જબરજસ્તીથી શારીરિક અડપલાં કર્યાં હતાં. બનાવ અંગે સગીરાની માતાની ફરિયાદને આધારે અજય, વિશાલ, સાગર, પાર્થ, શ્ર્ધ્ધાબેન, શ્રધ્ધાબેનના પતિ ભરત, કુમનભાઈ અને કુમનની પત્ની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સગીરા ઉપર બળાત્કાર કરનાર અજય બુહાએ પાંચ મહિના પહેલા જ તેના વતન વિસાવદર ખાતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અને જે અંગે ત્યાંની પોલીસમાં અજયના પિતાએ અજયને સગીરાના પિતા અને કાકા સહિત આઠ જણાએ માર માર્યો હોવાને કારણે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે તમામની સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને તેમાં તમામ આરોપી વોન્ટેડ હોવાનું પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું.