સુરત: અકસ્માતમાં મોતને ભેટેલ પરિવારને પેન્શનની રકમ મંજૂર કરવાના અવેજમાં રૂપિયા ૨૦ હજારની લાંચ લેતો કર્મચારી રાજ્ય વિમા નિગમની કચેરીનો મેનેજર સુરતમાં આજે એસીબીના હાથે ઝડપાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર આ કામના ફરીયાદીના પિતા પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને કંપની તરફથી ફરીયાદીના પિતાનો કર્મચારી વિમો લેવામાં આવેલ હતો અને ફરજ દરમ્યાન રોડ અકસ્માતમાં ફરીયાદીના પિતાનું અવસાન થતાં તેમના પત્નીને મળવાપાત્ર પેન્શન મંજુર કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ. ૨૦,૦૦૦/-  ની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આ કામના આરોપી સુરતના લાલા દરવાજા વિસ્તારમાં આવેલ કર્મચારી રાજ્ય વિમા નિગમની કચેરીના મેનેજર વિરેન્દ્રસિંઘ ઉમરાવસિંધ પાલ (રહે. એ-૨, ૩૦૧, શાંતિવિલા એપાર્ટમેન્ટ, ધરતી નમકીનની સામે, અડાજણ, સુરત)એ ફરીયાદી પાસે લાંચની રકમ રુ. ૨૦,૦૦૦/ ની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયો હતો. મેનેજર વિરેન્દ્રસિંઘે લાંચની રકમ કર્મચારી રાજ્ય વિમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે જ સ્વીકારી હતી.

આ મામલે ટ્રેપીંગ અધિકારી તરીકે બી.જે.સરવૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી પોલીસ સ્ટેશન અને મદદમાં એ.વાય.પટેલ,  નવસારી એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ તથા સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતએ કામગીરી બજાવી હતી.