મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દીવાળીના તહેવારોને ધ્યાને લઈ પોલીસ રીતસર ઉઘરાણું કરતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષ પહેલા દીવાળી પર પૂણા પોલીસ મથકના બે કર્મચારીઓ ઉઘરાણું કરવા નીકળ્યા હતા. સ્પાના સંચાલક પાસેથી એક દુકાન દીઠ રૂ. ૧૫ હજારનું ઉઘરાણું કરનારા આ બન્ને પોલીસ કર્મચારી સામે લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. એક વર્ષની તપાસના અંતે એસીબીની ટીમે આ રીતે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધતા કેટલાક લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

પૂણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ મોતીભાઈ દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. જેમાં એવો ઉ લ્લેખ કરાયો છે કે તા. ૪-૧૧-૨૦૧૮ના રોજ આ બન્ને પોલીસ કર્મચારી પરવટ પાટિયા, અભિલાષા હાઇટ્‌સ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચાલતા હેર માસ્ટર સલૂનના સંચાલકને મળી દીવાળીના ઉઘરાણાની વાત કરી હતી. એક દુકાન દીઠ રૂ. ૧૫ હજાર આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી કે જાે આ રકમ નહીં આપે તો કેસ કરી હેરાન પરેશાન કરી મૂકશું. રૂ. ૬૦ હજાર આપવાની વાત રકઝકના અંતે રૂ. ૨૫ હજારમાં નક્કી થઈ હતી. આ બન્ને કર્મચારીનો એકવચેટિયો રૂ. ૧૦ હજાર લઈ પણ ગયો હતો. બાકીના રૂ. ૧૫ હજાર સ્પાના સંચાલક આપવા માગતા ન હોવાથી વાત એસીબી સુધી પહોંચી હતી. આ વાતને ધ્યાને લઈ ગઈ તા. ૫-૧૧-૨૦૧૮ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું તે વખતે આ બન્ને હાથ લાગ્યા ન હતા. ત્યાર બાદ એસીબીની ટીમે પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કર્યું હતું. પૂરતા પુરાવા હાથ લાગ્યા બાદ બન્ને સામે ગુનો નોંધાયો છે.