જયંત દાફડા (મેરાન્યૂઝ.સુરત): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજવાની છે ત્યારે અત્યારથી જ તમામ રાજકીય પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પોતાના રાજકીય ફાયદા માટે પક્ષ પલ્ટુ કરનારા પણ સક્રિય થયા છે. સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના 50 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાજપના પણ ઘણા સભ્યો આપમાં જોડાયા હતા. આવી જ રીતે રાજકીય પક્ષોમાં ફેરબદલી થવાની હવે મોસમ ચાલી છે. જોકે આ ફેરબદલ એમ જ થઈ જતી નથી. તેની પાછળ પણ કોઈને કોઈ ભેજુ કામ કરી જતું હોય છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સામે પોતાની પકડ મજબૂત કરવા અનેક જાણિતિ વ્યક્તિઓને પાર્ટીમાં સામેલ કર્યા છે. જો કે ગુજરાતમાં આપએ સુરત મનપાની ચૂંટણીથી એન્ટ્રી કરી હતી. આજે સુરત આપમાં ભાજપે ગાબડુ પાડ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાયા છે. સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરિયા તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સહુને આવકાર્યા અને ભાજપાનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા ગઈ કાલે જાણવામાં આવ્યું હતું કે સુરત જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરતાં બટુકભાઈ વાડદોરીયા પાર્ટીના કાર્યકરો અને અન્ય હોદ્દેદરોને પાર્ટી વિરુદ્ધ ભડકાવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપ પક્ષની તરફેણ અને મદદ કરી રહ્યા છે. જેથી બટુકભાઈ વાડદોરીયાને પાર્ટી વિરુદ્ધની કામગીરી કરવા બદલ પ્રમુખ તરીકેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને સભ્યપદથી દૂર કરવામાં આવે છે. 

વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ પક્ષ પલ્ટુ સક્રિય થતાં જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે આવનાર દિવસો અનેક નેતાઓ રાજકીય ફાયદા માટે પક્ષ પલ્ટુ કરે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. આ ઉપરાંત આ પક્ષ પલ્ટા સાથે એવી ચર્ચાઓએ પણ આપના કાર્યકરોમાં સ્થાન મેળવ્યું છે કે અંગતે જ ઘા કર્યો છે જોકે આ અંગે તે અંગત કોણ તેનું નામ સ્પષ્ટ પણે કોઈ કહેતું નથી ઈશારા ઘણા આપ્યા કરે છે.