મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડના બીજા માળે આજે બપોરના સમયે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં એક ખાનગી ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત લોકો ફસાઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ઇમારતના ચોથા માળ સુધી ફેલાઇ ગઇ હતી અને વિદ્યાર્થીઓ સહિતના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં 15 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે.  

ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. જો કે આ દરમિયાન 15થી વધુ વિદ્યાર્થીઓ અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમારતમાં દસ જેટલા લોકો ફસાયા છે.  છલાંગ લગાવનારાઓ સહિત 15 જેટલા લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પહેલા ઘટનાસ્થળે અને ત્યાર બાદ સ્મિમેર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમના વ્હાલસોયાના હાલ જોઈને આક્રંદ કરતા હતા. આગની આ ઘટના કેવી રીતે ઘટી અને તેની પાછળ જવાબદાર કોણ એ તો હવે તપાસનો વિષય બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી સુરતની ઘટનામાં મોતને ભેટનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.  જ્યારે ગુજરાત સરકાર તરફથી મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઇ છે.