મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સુરતના સચિન વિસ્તારમાંથી સાત વર્ષીય બાળક ઘર નજીક રમતા રમતા થોડે દૂર નીકળી ગયો. ઘરની પાછળ ઝાડી ઝાંખરા જેવી જગ્યાએ પહોંચ્યોને થાકી ગયો એટલે  ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. બીજી બાજુ બાળક સમયસર ઘરે પરત ન ફરતા તેના વાલીઓએ સચિન પોલીસને જાણ કરી. સચિન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટોર્ચ બત્તી લઈ બાળકને શોધવા નીકળી. બરોબર એ જ સમયે બાળકની ઊંઘ ઊડી જતાં તે પોલીસને સામે મળ્યો હતો. આ રીતે સતત પાંચ કલાકની મહેનતના અંતે પોલીસના શ્વાસ હેઠા બેઠા હતા.

સચિનના જલારામનગર વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારનો 7 વર્ષનો બાળક મંગળવારે સાંજે 4 વાગ્યે ઘર નજીક રમતાં રમતાં ગુમ થઇ ગયો હતો. તેનાં માતા મજૂરી કામ કરી સાંજે 6 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે પોતાના પુત્રને ઘરે હાજર ન જોતાં શોધખોળ આદરી હતી. લગભગ બે કલાકની શોધખોળ પછી પણ પુત્રની ભાળ ન મળતાં આખરે મામલો સચિન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

સાત વર્ષનો બાળક ગુમ થયાની ઘટનાને પગલે સચિન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ટોર્ચ બત્તી લઈ શોધવાના કામે લાગી ગઈ હતી. લગભગ પાંચેક કલાકની મહેનતની અંતે બાળકને શોધવામાં સફળતા સાંપડી હતી. આ બાળકના ઘરની પાછળ આશરે 100 મીટરના અંતરે જ ઝાડી ઝાંખરા છે. ત્યાં આ બાળક ઊંઘી ગયો હતો. રાત્રિના લગભગ એકાદ વાગ્યે બાળકની ઊંઘ ઊડી. તે ઘર તરફ ચાલતો થયો ને સામે પોલીસ મળી. આ રીતે બાળક મળી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનામાં બાળક હેમખેમ મળી ગયો હોવાથી સચિન પોલીસે સ્ટેશન ડાયરીમાં માત્ર નોંધ કરી આ બાળકને તેના પરિવારજનોને સોંપી દીધો હતો.