મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: 'રામ રાખે તેને કોણ ચાખે'ની કહેવત ને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. એટલું જ નહીં કોઈને પણ આશ્ચર્યમાં મુકનારી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રિવર્સમાં આવતી કારની નીચે એક બાળક આવી જાય છે. જો કે બાળકને જરા પણ ઈજા થઈ ન હતી. અને તે હેમખેમ પોતાની જાતે જ કાર નીચેથી બહાર નીકળતા સૌ કોઈની આંખો ચાર થઈ ગઈ હતી. 

જાણવા મળતી વિગત મુજબ, વીડિયો નાના વરાછામાં આવેલી હરેકૃષ્ણ સોસાયટીની હોવાનું જાણવા મળ્યું છે. 19 ઓગસ્ટના રોજ સોસાયટીમાં જ રહેતા જીગ્નેશભાઈ પાનસુરિયાનો 6 વર્ષનો દીકરો વરસતા વરસાદમાં છત્રી લઈ સ્કૂલે જવા નીકળ્યો હતો. અને માતા બેગ લઈને પાછળ આવી રહી હતી. દરમિયાન શૂઝ સરખા કરવા માટે દીપ નીચે બેસી ગયો હતો. દરમિયાન સોસાયટીમાં રહેતા નારાયણભાઈ બહાર જવા માટે કાર રિવર્સમાં લઈ રહ્યા હતા.

છત્રી સાથે નીચે બેઠેલા દીપ પર તેમનું ધ્યાન ન રહેતા કાર દીપ પર ચડી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ એક મહિલાએ બુમાબુમ કરી, અને કાર ચાલકને જાણ થતા તેણે પણ કાર ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ સૌના આશ્ચર્ય વચ્ચે બાળક પોતાની જાતે જ બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન તેની માતા પણ દોડી આવી હતી. અને બાળકને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું જણાયું હતું.

દીપના દાદીએ જણાવ્યું હતું કે, દીપ રડતો હતો. જેથી નીચે ગયા હતા. કારના ચાલકે દીપને કંઈ ન થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દીપને લઈ ઘરે આવી ગયા હતા. અને તેને માત્ર પીઠ પર ઉઝરડો થયો હતો. ત્યારબાદ તેના પિતાને જાણ કરી હતી. અને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, દીપ ડરના માર્યા રડ્યા કરતો હતો. હવે તે સ્વસ્થ થઈ ગયો છે.