મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: સુરતના એક આહીર પરિવાર દ્વારા સગાઇ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2100 પત્ર લખીને આહીર સમાજ દ્વારા અલગ આહીર રેજીમેન્ટ બનાવવાની માગણી કરવામાં આવી છે.  

હાલ લગ્નસરાની સીજન ચાલી રહી છે. સુરતના એક આહીર પરિવારના આંગણે પણ એક પ્રસંગની તૈયારીઓ શરુ થઇ. પરિવારના સંતાનો ઉમરલાયક થતા સમાજના રીતી-રીવાજો મુજબ જ્ઞાતિના જ અન્ય પરિવારના સંતાનો સાથે સગાઇની વાત ચાલી અને અંતે આ સગપણ પાકું થયું. ગઈ કાલે ચી. અરુણ અને આશા તેમજ ચી. ધર્મેશ અને મમતાના વેવિશાળ થયા. આ પ્રસંગે એકઠા થયેલ બંને પક્ષના પરિવારો તેમજ મહેમાનો-સ્વજનોને દીકરીઓના યજમાન પક્ષે એક વિનંતી કરી, ‘ છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં આહીર-યાદવ પરિવારના હજારો નવલોહિયા અને તરવરીયા યુવાનો સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આપણી નાતની એક અલગ રેજીમેન્ટ ઉભી થાય અને સમાજ દેશ સેવામાં વધુ આગળ આવે તેવી ભાવના પ્રબળ બની છે. જામનગરના રામુભાઈ ગોજીયા અને દિલીપભાઈ આહીર દ્વારા અલગ આહીર રેજીમેન્ટની સરકાર પાસે માંગણી કરવામાં આવી છે તેઓએ ગુજરાત સહીત દેશભરમાં પોતાના સમાજના યુવાનો વધુને વધુ દેશસેવામાં જોડાય તેવી અને અલગ રેજીમેન્ટની માંગણી સાથે મુહિમ છેડી છે. ત્યારે તેઓનો અવાજ વડાપ્રધાન સુધી પહોચાડવા મારે તમારી મદદની જરૂર છે’ એમ કહી યજમાને પોતાની પાસે રહેલ એક થેલીમાંથી પોસ્ટકાર્ડનો થપ્પો કાઢી તમામને અનુરોધ કર્યો કે ‘આહીર રેજીમેન્ટ’ સરકાર આપે તેવી માંગણી સાથે આ પત્ર તમામે વડાપ્રધાનને લખવાનો છે.

યજમાનની લાગણી બંને પરિવાર તેમજ પ્રસંગમાં આવેલ તમામ મહેમાન-સ્વજને વધાવી લઇ, શરુઆત કરી પત્ર લખવાની અને જોત જોતામાં ૨૧૦૦ પત્રો લખાઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે જ્ઞાતિવાદના સતત વધતા જતા પ્રભાવ વચ્ચે કોઈ જ્ઞાતિ દ્વારા અલગ રેજીમેન્ટની માંગને લઈને આંદોલનાત્મક કાર્યક્રમો કાર્ય હોય એવો આ પ્રથમ બનાવ હશે.