મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: પોતાની કંપનીની માલિકીની મિલકતો ન હોવા છતાં અલગ અલગ બેંકમાં એ મિલકતો ગિરવે મૂકી  રૂ. 117 કરોડની લોન મેળવ્યા બાદ એ રકમ પરત ન કરી છેતરપિંડી કરનારાઓ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાની તપાસ કતારગામ પોલીસ પાસેથી લઈ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેમાં રાજ ઇન્ટરનેશનલ કંપનીના ડિરેક્ટર રાજેશ વેકરિયાની પોલીસે ધરપકડ કરી છે.

રાજ ઇન્ટરનેશનલ કંપનીના નામે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયાર્થે સુરતની ત્રણ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ. 117 કરોડની લોન લીધી હતી. જેમાં અન્ય કંપનીની માલિકીની મિલકત ગિરવે મૂકી હોવાની વાતને લઈને જયેશભાઈ મિસ્ત્રીએ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ કતારગામ પોલીસ પાસેથી સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેના પગલે સીઆઇડી ક્રાઇમની ટીમે જગદીશ બોદરાની ધરપકડ કર્યા બાદ રાજ ઇન્ટરનેશનલ કંપનીના ડિરેક્ટર અને યાર્નનો વ્યવસાય કરતા રાજેશ અરજણ વેકરિયાની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બેંકમાં લોન લેતી વખતે કંપનીના રબ્બર સ્ટેમ્પ અને સીલ લગાવ્યા તે બોગસ હતા. જે બન્ને રાજેશ વેકરિયા લાવ્યો હતો. હવે જ્યારે રાજેશ વેકરિયા પોલીસના હાથમાં આવી ગયો છે. ત્યારે તપાસ આગળ ધપશે અને આ બોગસ રબ્બર સ્ટેમ્પ અને કંપનીનાં સિલ કઈ જગ્યાએ બનાવ્યા, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ વગેરે મુદ્દે હાલ તપાસ ચાલી  રહી છે.