મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં એનસીપી નેતા અજિત પવારના સમર્થન સાથે મુખ્યમંત્રી બની ગયેલા દેવેન્દ્ર ફડણવીસની ખુરશી રહેશે કે પછી જતી રહેશે, જેનો નિર્ણય બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં થઈ જશે. સુપ્રીમ કોર્ટે ભાજપને પોતાની સરકાર બનતી હોય તો બુધવાર સુધીમાં બહુમત પરીક્ષણ (ફ્લોર ટેસ્ટ) પર સાબિત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરીને તેમની દેખ-રેખમાં શક્તિ પરીક્ષણની પ્રક્રીયા પુરી કરવામાં આવે. કોર્ટે સાફ કર્યું કે ગુપ્ત મતદાન ન થાય અને ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે.

જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે નિર્ણય આપતા કહ્યું કે, લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા થવી જોઈએ. કોર્ટ અને વિધાનસભા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કોર્ટે કહ્યું કે હજુ વાત કરવી છે. કોર્ટે કહ્યું કે અત્યાર સુધી ધારાસભ્યોની શપથ વિધિ થઈ નથી. લોકોે સારા શાસનની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ફડણવીસ સરકારને શપથ અપાવવામાં રાજ્યપાલના નિર્ણય સામે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ અરજી કરી હતી જેના પર કોર્ટે સોમવારે સુનાવણી પુરી કરીને નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો.