મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે ગુજરાતની દ્રારકા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને આંચકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના પબુભાને ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવાના ચુકાદા પર સ્ટે આપવાથી આજે ઇન્કાર કરી દીધો હતો.  

વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન દ્રારકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પબુભા માણેક હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેરામણ ગોરિયા હતા. ચૂંટણી દરમિયાન પબુભા માણેક 6943 મતોની લીડથી વિજયી બન્યા હતા.  ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાનું ઉમેદવારી પત્ર ક્ષતિયુક્ત હોવાનું જણાવી ચૂંટણી રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. જેના પર તાજેતરમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે દ્રારકા બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હાઇકોર્ટૅના ચુકાદા સામે પબુભાએ સુપ્રિમ કોર્ટૅમાં અપીલ કરી હતી અને આ ચુકાદા પર સ્ટેની માગણી કરી હતી. જો કે સુપ્રિમ કોર્ટે આજે સોમવારે આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાથી ઇન્કાર કરી દીધો છે. જેથી હાલમાં પબુભા માણેક ધારાસભ્ય નહીં ગણાય. સુપ્રિમ કોર્ટ આ મામલે આગામી સપ્ટેમ્બર મહિનામાં સુનાવણી કરશે.