મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં કહ્યું કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 66એ જોગવાઈને રદ્દ કર્યા પછી આ અંતર્ગત કેસ દાખલ કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રાથમિક કર્તવ્ય છે. રાજ્ય સરકારોના અંતર્ગત કાયદાનું પાલન કરનારી એજન્સીઓને સુરક્ષિત કરવા માટે કહેવાયું છે કે આઈટી એક્ટ કલમ 66એ અંતર્ગત કોઈ નવો કેસ દાખલ ન થાય.

કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ અને વહીવટી તંત્રએ ભારતના બંધારણ મુજબ રાજ્યનો વિષય છે અને ગુનાઓની રોક, તપાસ અને કાર્યવાહી અને પોલીસ કર્મચારીઓની ક્ષમતા નિર્માણ મુખ્યત્વે રાજ્યોની જવાબદારી છે.

કેન્દ્ર સરકારે બિન સરકારી સંગઠન (NGO) PUCL ની અરજી પર આ સોગંદનામું આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કલમ -66 A ને રદ કરવા છતાં તેના હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેને રદ કરતી વખતે 11 રાજ્યોમાં આ કાયદા હેઠળ 229 કેસ પેન્ડિંગ હતા.

પરંતુ આ પછી પણ આ રાજ્યોમાં આ જોગવાઈ હેઠળ 1307 નવા કેસ નોંધાયા છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો.