મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આધાર કાર્ડને બેંક સહિતના વિવિધ વિભાગો સાથે જોડાવા મામલે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરતા આધાર કાર્ડ લિંક કરવવાની સમયમર્યાદા વધારી દીધી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે જ્યા સુધી આ મામલે નિર્ણય ન આવે ત્યા સુધી આધાર કાર્ડને લિંક કરવાની મર્યાદા વધારવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકાર બેંક ખાતા અને મોબાઇલ નંબર સહિતની સેવાઓ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં 5 જોજની સંવિધાનિક પીઠે કહ્યું કે સરકાર આધાર કાર્ડને લિંક કરાવવા દબાણ કરી શકે નહીં.

આધાર એક્ટની કાયદેસરતાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અપીલકર્તાઓનો તર્ક છે કે યુનિક આઇડેન્ટિટી નંબરના ઉપયોગથી નાગરિક અધિકાર સમાપ્ત થઇ જશે અને નાગરિતા દાસત્વ સુધી સિમિટ થઇ જશે. આધાર મામલે આ બહુચર્ચિત સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. ઘણા સામાજીક કાર્યકરો અને હાઇકોર્ટના એક પૂર્વ જજે આધાર સ્કીમને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણની બેચ આ કેસની સુનાવણી કરી રહી છે.