મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ આધુનિક સમયમાં પણ લોકો અંધશ્રધ્ધા પર વિશ્વાસ કરી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં ચોટીલાના ગુંદા ગામે એક યુવાને કોઈપણ કારણોસર ઝેરી દવા પીધી હતી. પરંતુ પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાને બદલે માતાજીના મઢે પાણી પીવડાવવા લઈ ગયા હતા. ત્યારબાદ ઘરે યુવાનની હાલત અત્યંત ગંભીર બની જતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ત્યાં તેનું મોત નિપજયું હતું. 

ચોટીલાના ગુંદા ગામે રહેતો 25 વર્ષીય રાઠોડ જીવરાજ બચુભાઇ રાઠોડ નામનો યુવાન 13 મે ના રાત્રે વાડીએ ગયો હતો. બીજા દિવસે સવારે પણ તે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા જીવરાજ વાડી નજીક નદીમાંથી મળી આવ્યો હતો. જો કે ત્યારે જ આ યુવકના મોઢામાંથી ઝેરી દવાની દુર્ગધ આવતી હતી. પરંતુ તેણે કોઈ દવા પીધી ન હોવાનું રટણ કરતા પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે પલાસ ગામે માતાજીના મઢે લઇ ગયા હતા. 

માતાના મઢે યુવાનને પાણી પીવડાવ્યું હતું અને ત્યારબાદ યુવાનને ઘરે લઇ ગયા હતા. જ્યારે ગત મોડી રાત્રે ફરી તબિયત લથડતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વધારે સમય વિતી ગયો હોવાથી તબીબો યુવાનને બચાવી શકયા ન હતા અને તેનું મોત નિપજયું હતું. જો કે બાદમાં પરિવાર દ્વારા તાત્કાલીક હોસ્પિટલે ન લઈ જવા બદલ પસ્તાવો થતો હતો. અને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેની જીંદગી બચી ગઇ હોત તેવું પણ ચર્ચાતું હતું.