નદિમ બેહલીમ (મેરાન્યૂઝ.સુરત): સુરતના કોન્સ્ટેબલ સુનિતા યાદવનું નામ બધે જ ગાજી રહ્યું છે. ફરજ દરમિયાન સુનિતાએ મંત્રીના પુત્રની ગાડી રોકી હતી અને મંત્રી સાથે કરફ્યૂ દરમિયાન નિયમો પળાવવા જોઈએ તેવી ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ સુનિતાનું નામ મીડિયા અને પોલીસબેડામાં ગાજ્યું. સુનિતાએ પોલીસમાંથી રાજીનામું આપવાની જાહેર કરી દીધું છે અને પોતાનું નામ જે રીતે મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે તેને લઈને આજે તેઓએ ફેસબુક લાઈવ કર્યું હતું.

આ માધ્યમથી પોતાની વાત લોકો સમક્ષ મૂકી હતી. તેમનું કહેવું હતું કે, રાજીનામા અંગે તેમણે ઉપરી અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી દીધી છે, પણ હજું લેખિતમાં આપવાનું બાકી છે. મીડિયામાં બોલવા અંગે તેણે કહ્યું હતું કે એક સરકારી પદ પર હોવાના કારણે ઓફિશિયલ પ્રોસેસ ફોલો કરવાની થાય, જે માટે હજુ એક દિવસનો સમય લાગશે અને જો પછી ન્યાય નહીં મળે તો તેઓ મીડિયાનો સંપર્ક કશે. 

સુનિતાએ લાઈવમાં કહ્યું કે, રિલીઝ કરવામાં આવેલો વીડિયો પૂરો નથી, વીડિયોનો નેવું ટકા ભાગ એક દિવસ પછી રિલીઝ કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત લોકો દ્વારા મળેલા સપોર્ટ માટે તેણે આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપરાઉપરી આવી રહી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટની પણ માહિતી આપી હતી. રાજનીતિમાં તેઓ જવા માટે આમ કરી રહ્યા છે તેવા આક્ષેપ અંગે તેણે કહ્યું કે લોકતંત્રમાં અભિવ્યક્તનો અધિકાર સૌને છે અને તેમને રાજનીતિમાં જવાની કોઈ ઈચ્છા નથી.  આ ઉપરાંત તેમણે પરિવારમાં ભાઈ અને માતા-પિતાની પણ માહિતી આપી હતી. 

ગઈકાલે તે રાજીનામું આપવા માટે કમિશ્નરને મળવા ગઈ હતી પણ તે મળ્યા ન હતા. મીડિયા સાથેના બનાવ વિશે પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેઓ એક ડિસિપ્લિન્ડ ડિપાર્ટમેન્ટમાં હોવાથી હાલમાં કોઈ નિવેદન આપવાનું મુનાસિબ માનતા નથી. તેઓને રોજરોજ રાષ્ટ્રિય મીડિયામાંથી કોલ્સ આવી રહ્યા છે તે વાત પણ જણાવી હતી અને સ્થાનિક મીડિયા તેમને સપોર્ટ કરતું નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો. 

આશરે પાંત્રીસ મિનિટ ચાલેલા લાઈવ સેશનને (આ લખાય છે ત્યાં સુધી)અગિયાર હજારથી વધુ લોકોએ જોયું હતું. આ પૂરા સેશન દરમિયાન સુનિતા બોલવામાં તકલીફ પડી રહી હતી તેવું જણાતું હતું, તે અંગે તેમણે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી અને પૂરતી ઊંઘ પણ થઈ નથી. કોમેન્ટમાં મોટા ભાગના લોકોએ સુનિતાના કાર્યને બિરદાવ્યું હતું, ગણ્યા ગાંઠ્યા લોકો તેની વિરુદ્ધમાં કોમેનટ્ કરતાં જણાયા હતા. છેલ્લે કોન્સ્ટેબલ અને લોકરક્ષક વચ્ચેનો ફેર બતાવતી વેળાએ લાઈવ સેશન અચાનક અટકી ગયું હતું.