સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ): અનલોક-વનમાં કોરોનાની ભીતિથી લોકો મુક્ત છે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. શાળા-કૉલેજોમાં પણ વહિવટી કાર્યનો આરંભ થઈ રહ્યો છે. જોકે વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને હજુય અવઢવ દેખાઈ રહી છે. ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં કોરોના કેસ ઘટ્યા નથી એટલે ગ્રામ્ય વિસ્તારમાંય પણ શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યું છે. જોકે આ સ્થિતિમાં છેવાડાના સૂઈ ગામમાં હરસડ પ્રાથમિક શાળામાં એક અનોખો પ્રયોગ આદરવામાં આવ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા છે, ત્યારે સૂઈ ગામના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષણગણે વિદ્યાર્થીઓને ઘેર ઘેર જઈને પુસ્તક પહોંચાડવાનો અનેરો પ્રયોગ આદર્યો છે. આ માટે તેઓ એક લારીની વ્યવસ્થા કરી છે અને તેમાં પુસ્તકો ગોઠવીને આસપાસના જેટલાં પણ વિદ્યાર્થીઓ છે તે બધાને ઘેરઘેર પુસ્તકો પહોંચાડી રહ્યા છે. આ કાર્યમાં હરસડ પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. સૂઈગામમાં ઘણાં એવા વાલીઓ છે જેઓની પાસે મોબાઈલ ફોન નથી અને ઓનલાઈન શિક્ષણ આપવાનો તો સવાલ જ જન્મતો નથી. આ કિસ્સામાં વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચે તો તેઓ ઘેર બેસીને અભ્યાસ કરી શકે. આ પુસ્તકો પહોંચાડતી વખતે સોશિયલ ડિસ્ટસિંગનો પણ ધ્યાન રાખવામાં આવે છે. 

ખાનગી શાળાઓ જ્યારે ફી વસૂલવામાં અને તેને યોગ્ય પુરવાર કરવા માટે જેમતેમ ઓનલાઈન એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું છે ત્યારે સૂઈ ગામના આ શિક્ષકોનો પ્રયોગ વિદ્યાર્થીઓ પ્રત્યેની વધુ નિસબત પુરવાર કરે છે. જે શિક્ષણમાં ક્યાંય નાણાંનો વ્યવહાર ન થતો હોય અને ઉદ્દેશ માત્ર શિક્ષણનો જ હોય તેવું ચિત્ર સમગ્ર રાજ્યમાં ક્યારે જોવા મળશે તે આજે દિવાસ્વપ્ન જેવી ઘટના છે.