મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતમાં નેતાઓના મોંઢા સિવાય વિકાસ ક્યાં છે તેવો સવાલ જો સામાન્ય વ્યક્તિઓમાં ચર્ચાય તો દસમાંથી 8 જેટલાઓનો જવાબ ક્યાંય નહીં તેવો મળે છે. વર્ષ 2018માં 294 લોકોની આત્મહત્યા પાછળ ગીરીબી કારણ ભૂત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના રિપોર્ને આધારે એક્સીડેન્ટલ ડેથ અને સ્યૂસાઈડ ઈન ઈન્ડિયાની કેટેગરીમાં 318 વ્યક્તિઓએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની સરખામણીમાં આ આંકડાઓમાં અનુક્રમે 163 ટકા અને 21 ટકાનો વધારો થયો છે. વિકાસની ગુલબાંગો વચ્ચે જમીની હકીકત કાંઈક બીજી જ છે તેવું આ આંકડાઓ પરથી સામે આવી રહ્યું છે.

બેરોજગારીના કારણે અમદાવાદમાં 31 અને વડોદરામાં 18 આત્મહત્યાના બનાવો નોંધાયા હતા. રિપોર્ટ મુજબ 67 લોકોએ નાદારીના કારણ અને કારકિર્દી સંબંધી ચિંતાના કારણે 136 માણસોએ આપઘાત કર્યો હતો.

આત્મહત્યાના કેસોના વર્ગીકરણ મુજબ રોજબરોજનું કામતા (ડેઈલી વેજ અર્નર) વર્ગના 2131 લોકોએ 2017માં આત્મહત્યા કરી હતી. એ સામે 2018માં આ શ્રેણીના 2522 લોકોએ મોત વહાલુ કર્યું હતું. આમ એક જ વર્ષમાં આ કેટેગરીના આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા 18.3% વધી છે. બેરોજગાર તરીકે ઓળખાયેલા લોકોની સંખ્યા 2017ની સરખામણીએ 369 થી 11% વધી 2018માં 411 થઈ છે. 891 કેસોમાં આત્મહત્યા કરનારા લોકો સેલ્ફ એમ્પ્લોઈડ હતા. 2017માં આ સંખ્યા 872 હતી.

2018માં આત્મહત્યા કરનારા 7793 લોકોમાંથી 73.3% વર્ષે એક લાખથી ઓછું કમાતા હતા. 25.5% રૂા.1 લાખથી રૂા.પાંચ લાખ, 1% રૂા.પાંચ લાખથી 10 લાખ અને 0.2% રૂા.10 લાખથી વધુ કમાતા હતા. પાંચ લાખથી વધુ કમાતા અને આપઘાત કરતા લોકોની સંખ્યા 2017માં 182 હતી તે 55.5% ઘટી 2018માં 81 થઈ હતી.

એલિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઈડસ ઈન ઈન્ડિયા રિપોર્ટમાં પ્રેમપ્રકરણ અને અનૈતિક સંબંધોની આશંકાના કારણે ગુજરાતમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા 2017ની સરખામણીએ વધી હતી, જયારે લગ્ન સંબંધી સમસ્યાઓના કારણે જીવાદોરી ટુંકાવનારા લોકોની સંખ્યા 29% ઘટી હતી.

રાષ્ટ્રીય આંકડા મુજબ આત્મહત્યા કરનારા લોકો પૈકી 35% 30 વર્ષના અથવા એથી નાની વયના હતા. ગુજરાતના સંદર્ભમાં આવો આંકડો પ્રાપ્ય નથી. અમદાવાદમાં 26 લોકોએ લગ્નસંબંધી સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી, જયારે રાજકોટમાં 54, સુરતમાં 24 અને વડોદરામાં બે વ્યક્તિએ આ કારણે આત્મહત્યા કરી હતી. એવી જ રીતે પ્રેમ સંબંધોના કારણે રાજકોટમાં 82, સુરતમાં 26, અમદાવાદમાં 24 અને વડોદરામાં ત્રણે આત્મહત્યા કરી હતી.

પારિવારિક ઝઘડા પછી આત્મહત્યા મોટું કારણ સામે આવ્યું છે. કેન્સર, પેરેલીસીસ, માનસિક અવસ્થા અને એઈડસ જેવી બીમારીઓથી અમદાવાદમાં 161, રાજકોટમાં 124, સુરતમાં 118 અને વડોદરામાં 41 માણસોએ મોતને ગળે લગાડયું હતું. કેફી પદાર્થો અને આલ્કોહોલની લતના કારણે 64 માણસોનો ભોગ લેવાયો હતો.

આત્મહત્યાની સંખ્યા સાથે શિક્ષણને અવળો સંબંધ છે. શિક્ષણ જેમ ઉંચુ હોય તેમ પોતાનું જીવન ટુંકાવવાની તક ઓછી રહે છે એવું રિપોર્ટ સૂચવે છે. આત્મહત્યા કરનારા 1647 લોકોનું શિક્ષણ પાંચમાં ધોરણ સુધીનું અને 1692નું આઠમા ધોરણ સુધીનું હતું. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનારા માટે આ આંકડો 1230 છે. આત્મહત્યા કરનારા પૈકી 196 ગ્રેજયુએટ અથવા એથી વધુ ભણેલા હતા.