ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): હાજર વાયદામાં માંગ નબળી પડી જવા ઉપરાંત મોટા ડિસ્કાઉન્ટ સાથે વ્હાઇટ સુગર વેપાર વધવા લાગ્યાની નોંધ લઈને એનાલિસ્ટો કહે છે કે ખાંડના ભાવ કેટલાંક મહિનાઓ સુધી ઊંચા સ્તરે જળવાઈ રહેશે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદક બ્રાઝિલમાં બરફના કરા પાડવા સાથે શેરડી પાક ઓછો આવવાનો ભય ઝળૂંબવા લાગતાં, ખાંડના ભાવ સાડા ચાર વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા હતા. પરંતુ મારેક્સ સ્પેક્ટ્રોન કહે છે કે ગયા મહિને સુગરના ભાવ ભલે ઊંચે ગયા પણ રો અને વ્હાઇટ સુગરની માંગ ઘટી રહી હોવાથી વર્ષાન્ત સુધીમાં તે મંદી તરફી વલણ અપનાવશે.

સાથે જ મારેક્સ એવું પણ કહે છે કે બ્રાઝિલમાં ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી લાંબાગાળાનું ચિત્ર તેજી તરફી છે. ૧૮ ઓગસ્ટે ન્યુયોર્ક રો-સુગર વાયદો ૨૦.૩૭ સેંટ થયો હતો. એકલા ઓગસ્ટ મહિનામાજ ભાવ ૧૩ ટકા વધ્યા હતા. ૨૦૧૭ પછી આવા ભાવ પહેલી વખત જોવાયા છે. જો પાછલા વર્ષથી ગણતરી કરીએ તો ભાવ ૬૦ ટકા વધ્યા છે. ડિલરોનું કહેવું છે કે બ્રાઝિલમાં આ વર્ષે ઉત્પાદન ઘટવા સાથે નિકાસ ઘટશે. ઓગસ્ટમાં નિકાસ, ગતવર્ષના સમાન સમયની નિકાસ ૩૧.૪ લાખ ટનથી ઘટીને ૨૬ લાખ ટન થઈ હતી.
 
નકારાત્મક હવામાનને લીધે બ્રાઝિલનું ઉત્પાદન ઘટવા સાથે બજારમાં હવે સર્વાનુમત એવો બને છે કે ૨૦૨૧-૨૨ની સુગર મોસમ ખાધમાં રહેશે, જે ખાંડને તેજીના ઘોડે સવારી કરાવશે. જર્મનીમાં ૨૦૨૧-૨૨માં બીટમાંથી ખાંડનું ઉત્પાદન ૪૧ લાખ ટનથી વધીને ૪૩.૮૦ લાખ ટન આવશે. ભારતમાં આગામી વર્ષે વધૂ શેરડીને ઇથેનોલ ઉત્પાદન તરફ વાળીદેવાની યોજના જોતાં ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦૮ લાખ ટન આવશે.

Advertisement


 

 

 

 

 

મંગળવારે ન્યુયોર્ક ઓકટોબર રો સુગર વાયદો ૧૯.૯૧ સેંટ બોલાયો હતો, ઓકટોબર વાહઇટ સુગર વાયદો વધીને ૪૮૬.૮૦ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. જૂન ૨૦૦૭માં જબ્બર જોખમી વેચાણને લીધે જાગતિક વાયદો ૯.૦૫ સેન્ટના તળિયે ગયો હતો, ત્યાર પછી ચાર વર્ષમાં ભાવ ૩૦૦ ટકા કરતાં વધુ વધીને ૩૬.૦૮ સેંટ બોલાયા હતા. સુગર વાયદો નવેમ્બર ૧૯૭૪માં ઓલટાઈમ હાઇ ૫૩.૨૦ સેંટ અને જૂન ૧૯૮૫ માં ૨.૩૫ સેન્ટની ઐતિહાસિક બોટમ બનાવી હતી.

બ્રાઝિલ કોફી અને સુગરના સૌથી મોટા વૈશ્વિક ઉત્પાદક અને નિકાસકાર હોવાથી તેની અસર ભાવ પર પડ્યા વગર નહીં રહે. અલબત્ત, તેજી ક્યારેય એક લાઇનમાં સીધેસીધી આગળ નથી વધતી. આપણાં ખોરાકમાં ખાંડ એ મહત્વની જણસ છે, ત્યારે મહત્તમ સોફ્ટ કોમોડિટીના ભાવ સાથે સુગર પણ નવી ઊંચાઈએ ગઈ છે. જાગતિક ફુગાવા વૃધ્ધિ, સપ્લાય ચેઇનમાં ખાંચરા, કરન્સી બજારનું વલણ અને કોવિદ મહામારી જેવા મુદ્દા આ વર્ષે આગામી મહિનાઓ ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખશે.

ભારત સરકાર ૨૦૨૨માં ૪૦૦ કરોડ લિટર ઇથેનોલ ઉત્પાદિત કરી, ફ્યુઅલ ગ્રેડ ઇથેનોલનું પેટ્રોલમાં ૧૦ ટકા મિશ્રણની યોજના ઘડી રહી છે ત્યારે એકસ્ટ્રા નેચરલ આલ્કોહોલના ભાવ પણ ઊંચેનીચે જતાં થઈ જશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ઇથેનોલ મિશ્રણનું પ્રમાણ આ વર્ષે ૮.૫ ટકાના સ્તરે લઈ જવા સરકાર ૩૨૫ કરોડ લિટર ઇથેનોલ વિતરીત કરશે.
               
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)