ઇબ્રાહિમ પટેલ (મેરાન્યુઝ.મુંબઈ ): સુગર સટ્ટોડિયા લેણ છોડી રહ્યા છે એ, સંકેત આપે છે કે બજારમાં પુરવઠા સ્થિતિ સુધરી રહી છે. અલબત્ત, ટ્રેડરો કહે છે કે ફંડો કદાચ તેજીના ઓળીયા ઘટાડી રહ્યા હશે એ સાચું, પણ ભાવ મોટાપાયે ઘટી જવાની સંભાવના નથી. બ્રાજીલના શેરડીપાક વિષે અનિશ્ચિતતા પ્રવર્તે છે અને ભારત સહિત જગતભરમાં ઇથેનોલના ભાવ વધી રહ્યા છે.

મુંબઈ સ્થિત એક સુગર ટ્રેડરે કહ્યું કે બજારમાં અત્યારે પુરવઠા પ્રવાહ બરાબર વહી રહ્યો છે, અને વાયદાનો આંતરપ્રવાહ નબળો પડી રહ્યો છે. આ જોતાં ફંડો પોતાની તેજીની સ્થતિને લાંબો સમય જીરવી નહીં શકે. પણ બ્રાજીલનું ઉત્પાદન, ગતવર્ષની તુલનાએ એપ્રિલમાં ૨૫ ટકા પાછળ ચાલી રહ્યું હતું, અને કૃષિક્ષેત્રે શેરડી ઉત્પાદન, ગતવર્ષ કરતાં ૧૦ ટકા ઓછું બતાવતું હતું. તદુપરાંત શેરડી ઉત્પાદક દેશમાં ઇથેનોલ ઉત્પાદન માટેની સારી એવી ભાવ પેરિટી (નફાકારકતા) લાગી ગઈ છે.

આઈસીઈ ન્યુયોર્ક જુલાઇ રો સુગર વાયદો સોમવારે એક મહિનાની બેટમે ૧૬.૫૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) જઈ, મંગળવારે ૧૭.૧૮ સેન્ટની ઊંચાઈએ પહોંચ્યો હતો. ઓગસ્ટ વ્હાઇટ સુગર વધી ૪૫૦ ડોલર પ્રતિ ટન મુકાઇ હતી. ડીલરો કહે છે કે બ્રાજીલના શેરડી વાવેતર વિસ્તારમાં વરસાદ પડવાને લીધે આગામી દિવસોમાં શેરડીનો વાઘ લણવો મુશ્કેલ પડશે. પણ મોડેથી લણણી થવાથી આને લીધે શેરડીમાં ફ્રૂકટોસ (સર્કરા)નું પ્રમાણ જરૂર વધશે.

Advertisement


 

 

 

 

 

જાગતિકબજારમાં સુગરના સરેરાશ ભાવ ચાર વર્ષની ઊંચાઈએ, લંડન વ્હાઇટ સરેરાશ ૪૬૧.૮ ડોલર અને ન્યુયોર્ક રો સુગર ૧૭.૪ સેંટ થયા છે. જો ૨૦૨૧-૨૨ની ખાંડ મોસમમાં મોટા ઉત્પાદકોમાંથી સુગર સપ્લાય વધુ નહીં આવે તો આગામી ત્રણચાર મહિના ભાવ સતત વધતાં રહેવાની ધારણા એનાલિસ્ટ રાખી રહ્યા છે.

ભારતીય સુગર મિલો કહે છે કે અમારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ (લઘુતમ ટેકા [વેચાણ]ના ભાવ) વધારી આપો, જેથી અમે ઑક્ટોબર ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ની ખાંડ મોસમના સરકારી આંકડા મુજબના, શેરડી ખેડુતોને ચૂકવવાના બાકી રહેતા રૂ. ૨૨,૯૦૦ કરોડ ચુકવણી સરળતાથી કરી શકીએ, ૨૦૧૯-૨૦માં આ રકમ ૧૯,૨૦૦ કરોડ હતી. એક્સ મિલ સુગર ભાવ ઘટીને કિલો દીઠ રૂ. ૩૧થી ૩૩ રહ્યા છે. જે લઘુતમ વેચાણ ભાવની નજીક છે, આ તરફ અમારો ઉત્પાદન ખર્ચ વધ્યો છે.

ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશનનું કહેવું છે કે મિલો તેની રોકડ પ્રવાહિતા વધારી શકે અને શેરડીના વાજબી ભાવ ખેડૂતોને મળી રહે તેહેતુથી ખાંડના ટેકાના ભાવ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૯માં વધારાયા હતા. વળી વૈશ્વિકબજારમાં ખાંડના ભાવ વધી આવતા નિકાસસબસિડી ટનદીઠ રૂ. ૬૦૦૦થી ઘટાડીને રૂ. ૪૦૦૦ કરી નાખવામાં આવી. આ પણ એવા સમયે કરવામાં આવ્યું જ્યારે ૬૦ લાખ ટન નિકાસ ક્વોટાના ૯૫ ટકા નિકાસ સોદા મિલોએ કરી નાખ્યા છે.

Advertisement


 

 

 

 

 

ભારતની મિલોએ ૨૦૨૦-૨૧ની મોસમમાં ૧૫ મે સુધીમાં ઉત્પાદન, ગતવર્ષના ૨૬૫.૫ લાખ ટનથી ૧૪.૪૩ ટકા વધુ ૩૦૩.૬ લાખ ટન ખાંડ ઉત્પાદિત કર્યું છે. આની સામે ઇસ્માનો ઉત્પાદન અંદાજ ૩૦૨ લાખ ટન હતો. ગતવર્ષનું દેશનું કૂલ ઉત્પાદન ૨૭૨.૪ લાખ ટન આવ્યું હતું.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)