ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): એક તરફ નબળી માંગ અને બીજી તરફ બ્રાજીલના સેન્ટ્રલ સાઉથ રાજ્યોમાં બજારની અપેક્ષા કરતાં વધુ સુગર ઉત્પાદનના આંકડા રજૂ થતાં નાયમેક્સ ઓકટોબર રો સુગર વાયદો ગુરુવારે ઘટીને ૧૬.૮૬ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) જ્યારે વ્હાઇટ સુગર ઓગસ્ટ વાયદો ઘટીને ટન દીઠ ૪૧૪.૫ ડોલર બોલાયો હતો. ટ્રેડરો કહે છે કે એક તરફ ટૂંકાગાળા માટે માંગનું દબાણ હળવું થઈ ગયું છે અને બીજી તરફ ફંડો તેમના તેજીના ઓળીયા હળવા કરવા લાગ્યા છે. વ્હાઇટ સુગરની માંગ તો ફેબ્રુઆરીથી જ નબળી પડી ગઈ છે.

સુગર બ્રોકર પેઢી મારેક્સ કહે છે કે આમ કેમ થયું? તેની પાછળ કોઈ સ્પષ્ટ કારણ નથી, પણ અમારું માનવું છે કે એપ્રિલ/જુલાઇ ૨૦૨૦થી ખાંડના આખરી વપરાશકારોએ તેમનો સ્ટોક, ફ્રન્ટ લોડિંગ સ્ટોક ખરીદ્યો નથી. સાથે જ કોરોના મહામરીને લીધે જાગતિક સુગર માંગ પણ ઘટી છે. બ્રાજીલની સુગર મિલોએ જુનના બીજા પખવાડિયામાં શેરડી પીલાણ ગતવર્ષના સમાનગાળાથી ૪.૪ ટકા વધારીને ૪૫૦ લાખ ટન કર્યું હતું. તેમણે ખાંડ ઉત્પાદન ૫.૬ ટકા વધારીને ૨૮.૯ લાખ ટન જ્યારે ઇથેનોલ ઉત્પાદન ૫.૭ ટકા વધારીને ૨.૧ અબજ લિટર કર્યું હતું. 

Advertisement


 

 

 

 

 

યુરોપિયન સુગર બ્રોકરો કહે છે કે બ્રાજીલના આંકડા બજારની અપેક્ષાથી ખૂબ વધુ આવ્યા છે. બ્રાજીલીયન કૃષિ એજન્સી યુનિકા કહે છે કે શેરડીમાં ફ્રૂકટોસનું પ્રમાણ વર્ષાનું વર્ષ જૂનમાં ૧૧ ટકા ઘટીને આવ્યું હતું, તેમ છતાં પાછળથી હવામાન સૂકું રહેતા શેરડીમાં ખાંડનું પ્રમાણ વધી આવતા ઉત્પાદકતાની લોસ સરભર થઈ ગઈ હતી.

૧ એપ્રિલથી શરૂ થયેલી બ્રાજીલ સુગર સિજનમાં ૩૦ જૂન સુધીમાં ૨૧૦૮ લાખ ટન શેરડીનું પીલાણ થઈ ગયું હતું. જે ગતવર્ષના સમાનગાળા કરતાં ૮.૫ લાખ ટન ઓછું હતું. જ્યારે સૂગર ઉત્પાદન ૮.૨ લાખ ટન ઘટી ૧૨૩ લાખ ટન અને ઇથેનોલ ૪૨. ટકા ઘટી ૯.૬ અબજ લિટર થયું હતું. અમેરિકન સુગર બ્રોકરો કહે છે કે બ્રાજીલમાં અત્યારે કુદરત રુઠી છે, આ સ્થિતિમાં જો પાક વધુ ખરાબ થશે તો ભાવને ઉપર જવાનું દબાણ સર્જશે.  

અમેરિકન કૃષિ મંત્રાલયનો વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટ અહેવાલમાં જૂનમાં ૨૦૨૧-૨૨ની મોસમમાં સ્થાનિક ઉત્પાદન વિશે આગાહી કરતાં કહ્યું હતું કે સુગર આયાત વધારવી પડશે. પરિણામે એન્ડીંગ સ્ટોકનો ૧૪ ટકા વધશે, તેથી વર્ષાન્ત સ્ટોક ટુ યુસેજ રેશિયો ૧૩.૫ ટકાએ પહોંચશે. એજન્સી કહે છે કે અમેરિકાનું ઉત્પાદન ૯૦.૦૩ લાખ ટન થશે, જે જૂન આગાહી કરતાં ૩.૦૨ લાખ ટન ઓછું હશે. આમાં બીટ સુગરનો હિસ્સો ૫૦.૩૩ લાખ ટન હશે. 

Advertisement


 

 

 

 

 

ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશને ૩૪ લાખ ટન ઇથેનોલ ઉત્પાદનની ગણતરી મૂકીને ૨૦૨૧-૨૨નું સુગર ઉત્પાદન ૩૧૦ લાખ ટન અંદાજયું હતું. તેમનો અંદાજ છે કે ઇથેનોલનું ઉત્પાદનમાં ૧૧૭ કરોડ લિટરનો વધારો થશે, જે ગતવર્ષના ૩૩૩ કરોડ લિટરથી ૩૫ ટકા વધુ હશે. ૧ ઓકટોબરે આરંભિક સ્ટોક ૧૯ ટકા ઘટીને ૮૭ લાખ ટન, ચાર વર્ષમાં સૌથી ઓછો રહેશે, જે ગયાવર્ષે ૧૦૭ લાખ ટન હતો. ખાંડ મિલોએ ૨૦૨૦-૨૧માં નિકાસ ૧૮ ટકા વિક્રમ વધારીને ૭૦ લાખ ટને પહોંચાડી હતી.

ભારતમાં ઊર્જા સલામતીના પ્રયાસમાં ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા ૬૮૪ લાખ ટન થઈ ગઈ છે, જે ૨૦૨૫ સુધીમાં બમણી કરવામાં આવશે. પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણથી ભારત રૂ. ૩૦,૦૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવી શકાશે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)