ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આ વર્ષની ખાંડ તેજીએ ૩૦ ટકા જેટલું વળતર આપ્યા પછી પ્રશ્ન એ થઈ રહ્યો છે કે વર્ષના બાકીના સમયમાં આ તેજી આગળ વધશે? ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા આયોજિત ગ્લોબલ સુગર વેબીનારમાં વેપારીઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે જો ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર તરફ પ્રયાણ કરશે તો, ઇથેનોલ ઊર્જા રૂપાંતરણમાં શેરડીનો વપરાશ વધી જશે. આ સ્થિતિમાં જો બ્રાઝિલમાં કોઈ ઉત્પાદન ઘટ આવશે, તો તે ભારત સરભર કરી નાખશે.

ભારત સરકારનો તાજો અહેવાલ કહે છે કે ૧ ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૧-૨૨ની નવી ખાંડ મોસમમાં ભારતે ૧૮ લાખ ટન સુગર નિકાસના સોદા ગોઠવી નાખ્યા છે. સાથે જ સરકારે ઉધ્યોગને પણ કહ્યું છે કે દેશમાં પડેલા પુરાંત સ્ટોકનો નિકાલ કરવા, ૬૦ લાખ ટન ખાંડ નિકાસનો લક્ષ્યાંક બનાવવામાં આવે. સરકારી અધિકારીઓ કહે છે કે દેશમાં ખાંડના ભાવ ઘટી નહીં જવા દેવાય અને પુરાંત પુરવઠો ઘટાડવાની ખાતરી સાથે મિલોએ સરકારી સબસિડી વગર ૬૦થી ૭૦ લાખ ટન સુગર નિકાસની કરવી જોઈએ.  

Advertisement


 

 

 

 

 

કેટલાંક પરિયાવરણીય મુદ્દાઓ જોતાં સ્થાનિક બજાર કરતાં વૈશ્વિક બજારમાં ભાવ ઓછા હોવાથી અત્યારે ભારત જાગતિક બજારમાં ખાંડ ઓફર કરવા બહુ ઉત્સાહિત નથી. અલબત્ત, અગાઉના વર્ષ કરતાં ભારતમાં ખાંડનો વપરાશ જરૂર વધ્યો છે, પણ તે હજુ ઓછો ગણાવાય છે. અહી એ પૂછવું સાર્થક ગણાશે કે થોડા મહિના પહેલા કેટલાંક નિરીક્ષકોએ કરેલી આગાહી મુજબ વર્ષાન્ત પહેલા સુગર નવી હાઇ દાખવશે?
વર્તમાન શેરડી વાવેતર, હવામાન, ઉત્પાદકતા, લણણી, સમયસર બજારમાં પહોંચવું અને માંગ પુરવઠા જેવા અનેક ટેકનિકલ મુદ્દાઓ પર ઉક્ત સવાલનો આધાર છે. સુગર માર્કેટ સાથે સંકળાયેલા લોકો અનેક કિવદંતીઓને આધાર બનાવે છે, જેને લીધે બજારમાં ઉથલપાથલ જોવા મળે છે. બુધવારે આઇસીઇ ન્યુયોર્ક રો સુગર ફ્રન્ટ મંથ માર્ચ ૨૦૨૨ વાયદો ૧૯.૫૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ), જે ૧૧ ઓકટોબરે ૨૦.૬૧ સેંટ હતો. આમ ફેબ્રુઆરી ૨૦૧૭ નવી ઊંચાઈ નોંધાઈ હતી.

શિકાગો સ્થિત પ્રાઇસ ફ્યુચર ગ્રુપ બ્રોકરેજ હાઉસ કહે છે કે તમામ કોમોડિટી બજારમાં ફુગાવા વૃધ્ધિની ચર્ચા જોર પકડી રહી છે, તેણે ખાંડને પણ સ્પોર્ટ કર્યો છે. બ્રાઝિલમાં ઉત્પાદન ઘટ્યું તેની બજાર પર વ્યાપક અસર છે. પ્રાઇસ ફ્યુચર્સ કહે છે કે તેજીના આ સંયોગને, ચોથા નંબરના સૌથી મોટા નિકાસકાર થાઈલેન્ડમાં ઉત્પાદન વૃધ્ધિ કઇંક અંશે સરભર કરશે. વધુમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક નિકાસકાર બ્રાઝિલના દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડ્યાના સમાચાર વધુ ઉત્પાદન માટેનો આશાવાદ જગાડ્યો છે.     

Advertisement


 

 

 

 

 

ન્યૂઝ લાહોર માટે લખતા મુનવ્વર હુસેન કહે છે કે બજારમાં સર્જાયેલી અસમંજસતા, દાવા અને પ્રતિદાવાએ ૨૦૨૧-૨૨ના ખાંડ ઉત્પાદનના અંદાજોને કાળવા મુશ્કેલ બનાવી દીધા છે. ભારત અને બ્રાઝિલ જેવા જગતના મોટા નિકાસકારો ખાંડને બદલે ઇથેનોલનું ઉત્પાદન વધારવા લાગ્યા છે, તેથી દબાણ ભાવ પર આવ્યું છે. ક્રૂડ ઓઇલનો ભાવ વધારો આગામી ૧૨ મહિના સુધી ઇથેનોલ ઉત્પાદનમાં વૃધ્ધિ કરશે, આ વ્યુહને લીધે રિફાઈન્ડ ખાંડનું ઉત્પાદન ઘટશે, એમ ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશનનું કહેવું છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)