ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોમોડિટી સુપર બુલ માર્કેટ સાયકલમાં ખાંડમાં સ્ફોટક તેજીની શક્યતાઓ ધરાવે છે. ભારતમાં જહાજી કન્ટેનરની અછત વચ્ચે નિકાસ રવાનગી મોડી થઈ રહી છે, થાઈલેન્ડમાં નબળા શેરડી પાકને લીધે જાગતિક બજારમાં ખાંડ ઉપલબ્ધિ ઘટી છે. ભારત અને બ્રાજીલમાં બાયઓફયુઆલ ઉત્પાદનમાં ખાંડનો ભોગ લેવાઈ રહ્યો છે. આથી જ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલના વધતાં ભાવની સંવેદના ખાંડના આંતરપ્રવાહમાં સમાવિષ્ટ થઈ રહી છે. 

ખાંડ ટ્રેડરો કહે છે કે બ્રાજીલમાં શેરડીની લણણી સામાન્ય કરતાં મોડી શરૂ થઈ હોવાથી, નવી મોસમની આવકો મોડી પડશે અને બજારમાં પુરવઠા સ્થિતિ પણ ખરડાશે. આ બધા સાથે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, બાયોફ્યુઅલ અને કરન્સીબજારની વધઘટ, ખાંડના ભાવ પર અસર ઊભી કરશે. નાયમેક્સ રો સુગર માર્ચ પાકતો વાયદો શુક્રવારે ૧૭.૯૬ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૬૪ ગ્રામ)ની માર્ચ ૨૦૧૭ પછીની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. સુગરના ભાવ સતત ૧૦મા મહિને વધ્યા હતા, ૧૯૬૧ પછી આ ઘટના પહેલી વખત નિર્માણ થઈ છે. 


 

 

 

 

 

મે ડીલિવરી વાયદો મંગળવારે ૧૭.૯૬ સેંટ મુકાયો હતો, આ વાયદો જુલાઇ ૨૦૨૦ પછી પહેલી વખત સાપ્તાહિક ધોરણે ૮ ટકા વધ્યો હતો. દૂર ડિલીવરીના મે વાયદા સામે માર્ચ પાકતા વાયદાના ઊંચા પ્રીમિયમ (ઊંધા બદલા), સૂચવે છે કે ટૂંકાગાળામાં પુરવઠા અછતની ચિંતા વધી છે. ૧૯૭૦ના દાયકાના આરંભે શરૂ થયેલા સુગર વાયદાની બોટમ જૂન ૧૯૮૫માં ૨.૨૯ સેંટ અને ઓલટાઈમ હાઇ નવેમ્બર ૧૯૭૪મા નોંધાઈ હતી.          

પરંપરાગત રીતે એપ્રિલમાં બ્રાજીલમાં શરૂ થતી આવકો સાથે ૨૦૨૧-૨૨ની જાગતિક ખાંડ મોસમ આરંભાતા પહેલા, વૈશ્વિક પુરવઠાના નબળા આકલન પર ખાંડની તેજી સવાર થઈ છે. દક્ષિણ અમેરિકી દેશોમાં શેરડી આધારિત ઇથેનોલની માંગમાં વધારો થવાની શક્યતા અને જાગતિક બજારમાં ક્રૂડ ઓઇલ તેમજ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તે પણ ખંડની તેજી માટેનું એક કારણ છે. આ સપ્તાહના આરંભ સાથે જ માર્ચ રો સુગર રોકડો અમેરિકન વાયદો મે ૨૦૨૧માં રોલ ઓવર (સોદા પાકતા વાયદામાંથી બેન્ચમાર્ક નવા વાયદામાં ખસેડવા) થવા લાગ્યો હતો. મે વ્હાઇટ સુગર વધીને ટન દીઠ ૪૮૨ ડોલર મુકાઇ હતી.

ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા)એ કહ્યું હતું કે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં મિલોને ફાળવવામાં આવેલા નિકાસ ક્વોટા ૪૧ ટકા સંકડાઈ ગયા છે. ૨૦૨૦-૨૧ની વર્તમાન સુગર મોસમમાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ભારતનું ખાંડ ઉત્પાદન પરંપરાગત રીતે પ્રગતિ સાધતું રહ્યું છે, આ સ્થિતિમાં ગતવર્ષ કરતાં ઉત્પાદન ૨૫ ટકા વધુ રહ્યું હતું. ઇસ્માનો અંદાજ છે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ભારતમાંથી ૭ લાખ ટન ખાંડની નિકાસ થઈ છે.


 

 

 

 

 

ઇસ્માએ કહ્યું કે અત્યાર સુધીમાં ૨૫ લાખ ટન નિકાસ કરારો થઈ ગયા છે. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ખાંડ મિલોએ ૨૦૮.૮૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જે ગતવર્ષના સમાંગાળામાં ૧૭૦.૦૧ લાખ ટન હતું. ૨૦૨૦-૨૧ની મોસમમાં ૪૯૭ ખાંડ મિલોમાંથી ૪૪૭ મિલો શેરડી પિલાણમાં ગઈ હતી. 33 મિલોને શેરડીની ઉપલબ્ધિ વાજબી પ્રમાણમાં નહીં થતાં ઉત્પાદનમાં જઈ શકી ન હતી. 

(અસ્વીકાર સૂચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)