ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સુએજ કેનાલમાં ફસાયેલી એવરગ્રીન માલવાહક જહાજ આખરે તરતી થઈ ગઈ, કેનાલમાં લાગેલો જામ હળવો થવા લાગ્યો, પણ આ ઘટનાએ આખા વિશ્વની સપ્લાય ચેઇનને ખોરવી નાખી, ઓઇલ ટેન્કર અને ડ્રાય બલ્ક જહાજોના નૂર આસમાને પહોંચાડી દીધા. કેનાલ ઓથોરિટીના કહેવા મુજબ ગતવર્ષે દૈનિક ૫૦ની સરેરાશથી ૧૯,૦૦૦ જહાજો આ ચેનલમાંથી પસાર થયા છતાં. જગતનો ૧૨ ટકા વાહન વ્યવહાર વેપાર આ કેનલ પર નભે છે. કેપસાઈજ, પાનમેક્સ અને સુપરામેક્સ જહાજોના નૂરનો ઇન્ડિકેટર ગણાતો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ શુક્રવારે ૬ પોઈન્ટ વધીને ૨૧૭૮ પોઈન્ટ મુકાયો હતો. 
      
એન્ડ ફેબ્રુઆરીથી ૨૨ માર્ચ સુધીમાં બીડીઆઈ ૩૮ ટકા ઊછળી ૨૩૧૯ પોઇન્ટ રહ્યો હતો, જે સપ્ટેમ્બર ૨૦૧૯ પછીની નવી ઊંચાઈ હતી. જે કઈ ઉછાળો આવ્યો તે ચીન અને ચીન બહાર એક પ્રકારની ચિંતાનું વાતાવરણ ઉદ્ભવયુ હતું. અલબત્ત ગત સપ્તાહમાં પ્રત્યાઘાતી ઘટાડે ઇંડેક્સ ૪.૫ ટકા ઘટ્યો હતો. છેલ્લા ચાર સપ્તાહમાં આ પહેલો ઘટાડો હતો, ફેબ્રુઆરી આરંભથી અત્યાર સુધીમાં તે સૌથી વધુ હતો. 

બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ઉછાળો આવવાનું અન્ય કારણ આ ગાળામાં સ્ટીલ ઉધ્યોગની બલ્ક ડ્રાય શિપિંગની ૪૨ ટકા જેવી માંગ વધી ગઈ હતી. તેમાં પણ કેપસાઈજ જહાજની માંગમાં તો ૮૨ ટકાનો ઉછાળો આવ્યો હતો. પરિણામે કેપસાઈજ ઇંડેક્સ ૬૩ પોઈન્ટ વધીને ૨૨૯૩ પોઈન્ટ રહ્યો હતો, જો કે ગત સપ્તાહે છેલ્લા ચાર અઠવાડિયામાં પહેલી વખત ઘટાડો નોંધાયો હતો.


 

 

 

 

 

દોઢ લાખ ટન જેટલો કોલસો કે સ્ટીલનો કાચોમાલ આયર્ન ઓરનું વાહન કરતાં આવા કેપસાઈજ જહાજોનું દૈનિક સરેરાશ નૂર ૫૨૪ ડોલર વધીને ૧૯૦૧૪ ડોલર મુકાયું હતું. સુપ્રામેક્સ જહાજ ઇંડેક્સ ૩૮ પોઈન્ટ ઘટીને ૧૯૮૩ પોઈન્ટ રહ્યો હતો, અલબત્ત સપ્તાહના આરંભે તે એપ્રિલ ૨૦૧૭ પછીની નવી ઊંચાઈએ ૨૧૩૩ પોઈન્ટ મુકાયો હતો.

૬૦થી ૭૦ હજાર ટન અનાજ, કોલસો જેવી ચીજોનું વાહન કરતાં પાનમેક્સ જહાજની દૈનિક સરેરાશ આવક ૫૬ ડોલર ઘટીને ૨૫,૪૪૭ ડોલર મુકાઇ હતી. પાનમેક્સ ૭ પોઈન્ટ ઘટી ૨૮૨૭ પોઈન્ટ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે પાંચ ટકા ઘટ્યો હતો, ૨૧ માર્ચે તે ૮૩ પોઇન્ટના ઉછાળે ૩૦૫૮ પોઈન્ટની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે ઓગસ્ટ ૨૦૧૦ પછીની નવી ઊંચાઈ હતી.

ગોલ્ડમેન સાસના કોમોડિટી એનાલિસ્ટ જેફરી ક્યુરી કહે કહે કે આ વર્ષે પણ કોમોડિટી સેકટરમાં તેજી જળવાઈ રહેશે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ આગેવાન ગોલ્ડમેન સાસ કહે છે કે આ વર્ષે કોમોડિટી સેક્ટરમાં સારું એવું રોકાણ આવશે. પરિણામે આગામી બાર મહિનામાં ભાવ ૧૫ ટકા જેવા વધશે. માળખાગત તેજીની સાયકલનો આ આરંભ હશે.        

તેઓ કહે છે કે જો આપણે બાલ્ટિક ઇન્ડેક્સના ચાર્ટનો અભ્યાસ કરીએ તો, જણાય છે કે આ ઇન્ડેક્સમાં પણ ભરપૂર તેજી છે. જગતના ૨૦ કરતાં વધુ દરિયાઈ રૂટો પર માલ વાહન કરતાં જહાજોની સરેરાશ નૂરનો આયનો આ ઇંડેક્સ ગણાય છે. ઇંડેક્સ અત્યારે ૨૦૨૦ના કારોના મહામારીના આરંભકાળ પહેલાંની ઊંચાઈએ પહોચી ગયો છે, આ બધાના અભ્યાસના આધારે ગોલ્ડમેન સાસ નૂર વૃધ્ધિની આગાહી કરી રહ્યા છે. અલબત્ત, લાંબાગાળા માટે તેઓ ચેતવણીના સૂરમાં કહે છે કે નૂરબજારમાં મોટાપાયે ભાવ વધારો સંભવિત જણાતો નથી.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)