પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આજે વીજળી અને ગેસ આવશ્યક સેવા બની ગઈ છે. છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં અને હવે દેશમાં પણ ખાનગીકરણનો પવન શરૂ થયો છે. તેના પરિણામે ગુજરાતના મોટા શહેરોમાં વીજળી અને ગેસ ખાનગી કંપનીઓ પાસે છે. અમદાવાદ ઈલેક્ટ્રીકસીટિ કંપની ટોરેન્ટ પાવરે ખરીદી લીધા બાદ તેના માલિક સુધિર મહેતાએ ટોરેન્ટનું નેટવર્ક ગુજરાત સહિત ગુજરાત બહાર પણ વિકસાવ્યું. વર્ષો સુધી ગુજરાતના એક માત્ર વડોદરા શહેરને પાઈપલાઈન દ્વારા ગેસ મળતો હતો, પરંતુ અદાણી ગેસ શરૂ થતાં હવે લોકોના ઘરો સુધી પાઈપલાઈન દ્વારા ગેસ મળવા લાગ્યો છે.

ટોરેન્ટ પાવરના પ્રારંભે એવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે, અમદાવાદ ઈલેક્ટ્રીસિટી કંપની (એઈસી) જેવી સેવા ટોરેન્ટ આપી શકશે નહીં પણ ટોરેન્ટના ગ્રાહકો આજે ટોરેન્ટની સેવાને દાદ આપે છે. કોઈ કારણસર વીજ સપ્લાય બંધ કરવો પડે તેવી સ્થિતિમાં ટોરેન્ટ પોતાના ગ્રાહકોને સંદેશ મોકલી આગોતરી જાણ કરે છે અને વીજ પુરવઠો ક્યારે ચાલુ થવાનો છે તેની પણ જાણ કરે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બીજી તરફ ગેસના મામલે અદાણી ગેસમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. અદાણી ગેસ માત્ર પોતાના ગ્રાહકોને બીલની રકમ જણાવવા માટે જ એસએમએસ મોકલે છે, પણ કોઈ આકસ્મિક કારણ કે મેઈનટેઈનન્સના કારણે ગેસ સપ્લાય બંધ કરવાનો વખત આવે ત્યારે અદણી ગેસ પોતાના ગ્રાહકોને ક્યાંરેય જાણ કરતું નથી. ઉદાહરણ રૂપે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા લોકોએ જ્યારે પોતાના ગેસનો ચુલો રવિવારે સવારે સળગાવ્યો ત્યારે ખબર પડી કે ગેસ સપ્લાય બંધ કરી દેવાયો છે. ગ્રાહકોએ કસ્ટમર કેરમાં જ્યારે પુછ્યું ત્યારે કસ્ટમર કેર પાસે પુરવઠો ફરી ક્યારે ચાલુ થશે તેની કોઈ જાણકારી ન્હોતી. સવારે પાંચ વાગ્યે બંધ થયેલો ગેસ પુરવઠો રાત્રે આઠ વાગ્યે શરૂ થયો. આવું જ સોમવારે સાંજે પણ થયું આગોતરી જાણકારી વગર ફરી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. આમ, અદાણી ગેસના ધાંધિયાનું આ એક ઉદાહરણ છે, આવું અમદાવાદના અનેક વિસ્તારોમાં થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ મામલે અદાણી ગેસના અદિકારી બિરેન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સમગ્ર મામલે ચુક થઈ હોવાનું કબૂલ્યું અને દિલગીરી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે ગ્રાહકની મુશ્કેલીઓ ઘટાડી શકાય તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.