મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન પદને લઈને ઘણીવાર અટકળો, ચર્ચાઓ, વિવાદો અને અફવાઓ આપ સામે આવી હશે. આજે વધુ એક વિવાદ આ ખુરશીનો પીછો કરતો કરતો આવ્યો છે. આ વિવાદ સુબ્રમણ્યન સ્વામીના એક ટ્વીટ ને પગલે આવ્યો છે. સુબ્રમણ્યન સ્વામીએ આજે શુક્રવારે સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમણે ગુજરાતમાં કોરનાની સ્થિતિને લઈને વાત મુકી છે. તેમણે આનંદીબહેનને પાછા લાવવાનો મત પણ અહીં મુક્યો છે.

હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એવી છે કે દેશમાં તેની નોંધ લેવાઈ રહી છે. કોરોના કુદકેને ભૂસ્કે આગળ વધી રહ્યો છે અને એક પછી એક લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ સ્થિતિમાં હાલની સરકારની નીતિઓ કામ કરી રહી નથી જેને પગલે વારંવાર કડક લોકડાઉન પછી પણ આંકડા કાબુમાં આવી રહ્યા નથી. હવે આ સ્થિતિમાં હાલમાં જ એક મેસેજ વાયરલ થયો હતો કે દિલ્હીમાં મનસુખ માંડવિયા સાથે બેઠક કરીને તેમને વિજય રુપાણીની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે, જોકે મનસુખ માંડવિયાએ જ આ વાતને સોશિયલ મીડિયા પર રદીયો આપી દીધો હતો. હજું આ વાતને ત્રીજો દિવસ નથી થયો ત્યાં સુબ્રમણ્યન સ્વામીએ ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશીને લઈને વિવાદીત પોસ્ટ કરી છે.
 

સુબ્રમણ્યન સ્વામીએ આજે શુક્રવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના આંકડાઓ તો જ સ્થિર થશે જો આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી તરીકે પાછા આવશે. તેમના આ ટ્વીટ પર લોકોની ભરપૂર કમેન્ટ્સ આવી રહી છે. ઘણા તેમના નિવેદનને લઈને વિવિધ ચર્ચાઓ પર વળગ્યા છે. જોકે તે કમેન્ટ્સ અહીં અમે રજુ કરી રહ્યા નથી પરંતુ ટ્વીટર પર કરેલી પોસ્ટનો સ્ક્રીનશૉટ અહીં રજુ કર્યો છે.