મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના સરકારી આવાસ સ્થાનથી માત્ર જ કિમી દુર આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકો હાલ વરસાદની ઋતુ હોવા છતાં બહાર ભણવા મજબુર બન્યા છે. સરકારી વહીવટીતંત્રની આળસ અને વહીવટી નિષ્ક્રિયતાના પરિણામે બાળકો હાલ સ્કૂલની બહાર અભ્યાસ કરી રહ્યા છે.

૩૩૦૦ની વસ્તી ધરાવતું લેકાવાડા ગામ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીના સરકારી આવાસથી માત્ર ૫ કિમી દુર છે. જ્યાં સરકારી વહીવટી લાપરવાહી જોઈ શકાય છે અને એ જ સાબિત કરે છે કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ શું હશે. શિક્ષણની ગ્રાન્ટ મંજુર કરવામાં વિલંબ કરવામાં આવતા થોડા દિવસો પહેલાં જ લેકાવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાનું મકાન તોડવામાં આવી રહ્યું છે. જો ગ્રાન્ટ સમયસર મંજુર થઇ ગઈ હોત તો બાળકો આજે નવી સ્કૂલમાં અભ્યાસ કરતા હોત.

ગામના સરપંચના પ્રયાસથી અને બાળકોનું ભણતર ન બગડે એ માટે હાલ આ બાળકોને ગામની બાજુમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે જક્ષણી માતાજી સભાગૃહના કેમ્પસ અને રૂમમાં ભણવવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ગામના બાળકોને ભણવા માટે જગ્યા તો આપવામાં આવી છે પરંતુ આ જવાબદારી સરકારની હોય, સરકાર જરૂરી એવું સક્ષમ મકાન બાળકોને ભણવા માટે પૂરું પાડવા નિષ્ફળ રહી છે તેનું આ ઉદાહરણ છે. ગામના બાળકોને અભ્યાસ કરવા માટે ગામથી ૧ કિમી દુર જવું પડે છે અને વરસાદમાં ખરાબ રસ્તા પરથી પસાર થઈને નાના બાળકો સ્કૂલ પહોંચે છે જ્યાં વરસાદ પડતો હોવા છતાં સભાગૃહના કેમ્પસમાં બેસીને અભ્યાસ કરે છે.

સરકારી સ્કૂલને હાલ તોડવામાં આવી રહી છે જેથી થોડા ક્લાસને જૂની સ્કૂલના ૩ રૂમોમાં બેસાડવામાં આવે છે અને બાકી રહેલા ક્લાસ નદી કિનારે આવેલા મંદિરના સભાગૃહમાં બેસાડવામાં આવે છે.

ગામના સરપંચ પારસબહેન વાઘેલાએ જણાવ્યું કે, આવી વ્યવસ્થા સરકારે કરવાની હોય છે, અમે રજૂઆત કરી ત્યારે નવી સ્કૂલ તોડવાનું નક્કી કર્યું. સરકાર તો કશું  જ નથી કરતી, જૂની સ્કૂલ ૬૦ વર્ષ જૂની હતી અને મને લાગ્યું કે આ સ્કૂલ બાળકોને તકલીફ ઉભી કરે એમ છે એટલે આમાં રસ લઈને નવી સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું. આ સરકાર કોઈનું સાંભળતું નથી.

સરપંચે જણાવ્યું કે, ગામમાં આંતરિક માર્ગો અને ગામથી સ્મશાન તરફ જવાનો રસ્તો બનાવવાની અત્યંત જરૂર છે.