મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરમાં બુધવારથી આંદોલન પર બેસેલા વિદ્યાર્થીઓની આંશિક માગણી હાલ સંતોષી છે. સરકારે પહેલા આ આંદોલનને કદાચ સામાન્ય ગણી લીધું હતું પરંતુ બીજા દિવસે જ પાણી મપાઈ ગયું હતું. હાલ સરકારે એસઆઈટીની રચના કર્યાની જાહેરાત કરી છે જેનો રિપોર્ટ 10 દિવસમાં સોંપવામાં આવશે. આ અંગેની જાહેરાત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી.

આ અંગેની જાહેરાત કરતાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, વિદ્યાર્થી આગેવાનોની બેઠક આવતી કાલે કરવામાં આવશે અને તેનો અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. આ પ્રતિનિધિઓમાં યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે.એસઆઈટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી પરિણામ અનામત રાખવામાં આવશે. આવશ્યકતા પડશે ત્યાં રાજ્યનું ગૃહ વિભાગ, ફોરેન્સિક સાયન્સ વિભાગ પણ સીટને મદદ કરશે. પરીક્ષા ની તૈયારીઓ કરવા માટે ગાંધીનગરમાં રહેવા માટે લાઈબ્રેરીની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. નવી લાઈબ્રેરીની જરૂર હશે તો પણ એ બનાવવા માટે મુખ્યમંત્રીએ હા ભણી છે.

સરકાર દ્વારા બનાવાયેલી સીટમાં ચેરમને તરીકે અગ્રસચિવ કમલ દાયાણીની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાયમાં સીટમાં ગાંધીનગરના રેન્જ આઈજી મયુરસિંહ ચાવડા, મનોજ શશીધરન (એડી. ડીજીપી- સીઆઈડી) અને જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી (સભ્ય સચિવ)નો સમાવેશ કરાયો છે.