મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ

 

આદરણીય અમિતભાઈ,

 

પહેલા તો તમે કેન્દ્રીય ગૃહમંત્રી થયા તે માટે તમને ખુબ ખુબ અભિનંદન છે, તમે કંન્દ્રીય મંત્રી થયા  તે પછી અમદાવાદમાં પહેલી વખત આવો છો તેનો અમને આનંદ છે, મેં સાંભળ્યુ છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર તમારૂ ભવ્ય સ્વાગત થવાનું છે, લાખોના ફુલ અને બેન્ડવાઝાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે અમદાવાદના ઘણા નવા બ્રીજ અને સરકારી ઈમારતોના ઉદ્દઘાટન પણ કરવાના છો, શહેર બદલાઈ રહ્યું છે તેનો મારા જેવા સામાન્ય માણસને પણ આનંદ છે. વીસ વર્ષ પહેલા જેવું શહેર હતું તેમાં આજે ઘણું બદલાયું છે.

ખેર તમે તો મને ઓળખતા નથી, એટલે જ મારો પરિચય તમને આપું છું, આમ તો મારે પાસે મારા પરિયય જેવું કઈ જ નથી, હું અમદાવાદમાં ત્રીસ વર્ષથી રહુ છું, મારી પાસે આધારકાર્ડ સહિતના તમામ પુરાવા છે છતાં પોલીસે મારી પાસે મારી ઓળખના પુરાવા અનેક  વખત માંગ્યા છે દરેક વખતે પોલીસ મારી સામે શંકાની નજરે જુવે કારણ મારી પાસે હું માણસ હોવાની કોઈ ઓળખ નથી, હું અમદાવાદના આશ્રમરોડ ઉપરની ફુટપાથ ઉપર ચાની લારી ચલાવું છું, મારી કડક ચાના આશીક રસ્તે પસાર થતાં મજુરથી લઈ કોટશુટમાં ફરતા કારના માલિકો પણ છે. હું સવારે મારી છ વાગે ચાની લારી શરૂ કરૂ છું અને અમદાવાદીઓ સુવા માટે જાય ત્યારે તેમને રાતની ચા પીવડાવી રાતના અગીયાર વાગે મારી લારી ઉપરના ગેસને ઓફ કરૂ છું.

મારી લારીનો ગેસ પણ મારી જેમ સતત સળગ્યા કરે છે, તેને પણ કયા આરામ છે. તે પણ મારી જેમ વાર-તહેવાર જોયા વગર સતત સળગ્યા કરે છે. અમને આરામ નથી તેની ફરિયાદ નથી કારણ સતત કામ કરવું તે તો  અમારૂ પ્રારબ્ધ છે તેવું અમે સ્વીકારી લીધુ છે કારણ અમે આરામનો વિચાર સુધ્ધા કરીશુ તો પણ મારૂ અને મારા પરિવારનું પેટ અમને આરામ કરવા દેશે નહીં કારણ અમે આરામ કરીશુ તો પેટને ભુખ્યા રહેવુ પડશે, તમે હમણાં ભલે કેન્દ્રીય મંત્રી થયા પણ પહેલા તો તમે બેન્કના ચેરમેન પણ રહ્યા છો. તમને તો આંકડાની રમતો ખબર છે. જો કે અમારૂ ગણિત સરળ છે, મારી લારી ઉપર બે છોકરા કામ કરે છે (આ વાત પાછા પેલા એનજીઓવાળા કે સરકારી અધિકારીને કહેતા નહીં નહીંતર આ છોકરાઓને સમાજ સુરક્ષાવાળા લઈ જશે અને  મારી સામે બાળ મજુરીનો કેસ કરશે) ગરીબ છોકરાઓ છે, રાજસ્થાનમાં તેમના બાપા પણ મજુરી કરે છે.

આ છોકરાઓને ખાવાના ફાફાં હતા, હું તેમને અમદાવાદ લઈ આવ્યો, કારણ મારે પણ કોઈ મદદ કરનારની જરૂર હતી, હું તેમને રોજનો એકસો રૂપિયા પગાર આપું છું, અને બે ટાઈમ જમાડી દઉ છું, તેઓ રાતે લારી ઉપર જ સુઈ જાય છે.

તેમની અને અમારી જીંદગી પાસે ખાસ કોઈ અપેક્ષા નથી એટલે ફુટપાથ ઉપર પણ એસીમાં ઉંઘતા હોય તેવી સરસ મઝાની ઉંઘ આવી જાય છે, આમ પણ સવારના છથી રાતના અગીયાર સુધી કામ કર્યા પછી તેઓ પણ થાકી જતા હશે, મને ઘણી વખત તેમની દયા આવે છે, મારા બાળકો પણ તેમની ઉંમરના જ છે તેઓ એક ખાનગી શાળામાં ભણે અને રમવા જાય છે, પણ આ બાળકોને તેમનું બાળપણ મળ્યુ જ નથી, મારી પત્ની કહે છે કે આપણા બાળકો ચાની લારી કરશે નહીં, તેમને મોટા સાહેબ બનાવવા છે, હું અને મારી પત્ની પણ ભણ્યા નથી, પણ મારે મારા બાળકો ભણાવી મોટા સાહેબ બનાવવા છે.

કારણ તેઓ ભણશે તો કોઈ ઓફિસમાં કામ કરશે, પોલીસ તેમને ધમકાવશે નહીં, દબાણખાતા વાળા સામે હાથ જોડી ઉભા રહેવું પડશે નહીં, અરે દબાણખાતાની વાત નિકળી એટલુ મુળ વાત યાદ આવી જેના માટે હું તમને પત્ર લખી રહ્યો છું, તમે અમદાવાદ આવી રહ્યા છો તેની સરકારી અધિકારીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તમે અમદાવાદ તો બે દિવસ રોકાવવાના છો પણ આ પોલીસવાળા અને કોર્પોરેશનવાળાએ મારી અને મારા જેવા રસ્તા ઉપર ધંધો કરતા હજારો લારીવાળાની લારીઓ છેલ્લાં ચાર દિવસથી બંધ કરાવી દીધી છે, તે્ઓ મારી લારી બંધ કરાવવા આવ્યા ત્યારે મેં તેમને કહ્યું સાહેબ મારી પાસે રસ્તા ઉપર ધંધો કરવાનું લાઈસન્સ છે, મેં તેમને કોર્પોરેશને આપેલુ મારા ફોટાવાળાનું લાઈસન્સ પણ બતાડયું તો સાહેબ મારી ઉપર તડુકયા, તેમને મને કહ્યું ડાહ્યપણ કરીશ નહીં નહીંતર તારી લારી ઉપાડી જઈશું અને કાયમી ધંધો બંધ કરાવી દઈશું

મને બહુ ગુસ્સો આવ્યો, પણ પછી મેં મારી જાતને સમજાવી કે ગરીબોને ગુસ્સો કરવાનો અધિકાર નથી અને આપણને ગુસ્સો પાલવે પણ નહીં કારણ આપણે રોડ ઉપર ધંધો કરીએ છીએ, સાહેબ અમે આ પોલીસવાળા અને કોર્પોરેશન વાળાને ખુબ સાચવીએ છીએ તેઓ જ્યારે આવે ત્યારે ચા-પાણી કરાવીએ છીએ અને તેમના પૈસા પણ લેતા નથી, દર અઠવાડીયે પીસીઆર વાન અને દબાણવાળા જોડે  નક્કી છે તે પ્રમાણે પૈસા પણ આપી દઈએ છીએ, અમે માની છીએ કે ભાડે દુકાન લીધી હોત તો તેનું ભાડું આપવું પડતું તેના બદલે સાહેબો પૈસા લઈ જાય છે, કઈ વાંધો નહીં પૈસા લઈ જાય તો પણ વાંધો નથી, પણ આ સાહેબો ક્યારેય સારી રીતે વાત કરતા નથી, કાયમ તુકારાથી અને ગાળોથી જ વાત કરે છે, પૈસા આપ્યા પછી મહિને  બે ત્રણ વખત તો મેમો આપી દંડ પણ લઈ જાય છે.

આટલુ બધુ કર્યા પછી પણ હવે તમે આવી રહ્યા છો એટલે અમારો ધંધો બંધ કરાવી દીધો છે, આમ માત્ર વાત તમારી નથી, મેં તો ભાજપને જ મત આપ્યો હતો કારણ એક ગુજરાતી તરીકે મને લાગે છે  મારે તમને જ મત આપવો જોઈએ, રાહુલ ગાંધી આવવાના હતા ત્યારે પણ અમારો ધંધો બંધ કરાવી દીધો હતો. શહેરમાં કોઈ પણ મોટા નેતા આવે ત્યારે અમારા ધંધાની પથારી ફરે છે. સાહેબ સવારથી રાત સુધી કામ કરૂ, ટેણીયાઓના પગાર-તેમની જમવાની વ્યવસ્થા અને પોલીસ-સરકારી અધિકારીઓના હપ્તા કાઢું પછી મને પાંચસો-છસો રૂપિયા દિવસના મળે છે, પણ હવે તો ચાર દિવસ માટે તે પણ બંધ થઈ ગયા છે. અમે તો રોજનું કમાવી રોજ ખાનાર માણસો છીએ, પહેલી તારીખ હતી એટલે છોકરાઓની સ્કૂલની ફિ પણ ભરવાની હતી, કરીયાણાવાળાનું ઉધાર ચુકવવાનું હતું, છોકરાઓ માટે રેઈનકોટ લાવવાનો હતો (મારી લારીના ટેણીયા તો માથા ઉપર પ્લાસ્ટીકની થેલી લટકાવી તેનો જ રેઈનકોટ બનાવી દે છે) હવે બધુ જ ખોરવાઈ ગયું, ઘરે ગયો તો પત્નીએ પૈસા ક્યારે આપશો તેવો કકળાટ કર્યો એટલે ગુસ્સો આવ્યો કે તેનું ગળુ દબાવી દઉ, થાકેલો માણસ ઘરે આવે ત્યારે કોઈ આવું તેની સાથે કરે તો તો કેવો ગુસ્સો આવે.

અમારા જેવા લોકો માટે સારૂ છે, અમને પોલીસ અને સરકારી અધિકારી ધમકાવે, ફટકારે અને અપમાન કરે તે બધુ અમે ઘરે જઈ સરભર કરી લઈએ, પત્ની જરા પણ આડુ બોલે એટલે બહારનો બધો ગુસ્સો તેની ઉપર કાઢી નાખો બે અડબોટમાં આપી દેવાની, જો કે આ વખત મેં હાથ ન્હોતો ઉપાડયો તે બીચારીને કયાં ખબર છે કે અમિતભાઈ આવવાના છે એટલે ધંધો બંધ છે. લારી બંધ છે, પણ હું અને મારા ટેણીયા  રોજ લારી ઉપર આવી બેસીએ છીએ ફુટપાથ ઉપર બેસી રસ્તે પસાર થતાં માણસો અને વાહનો જોઈએ છીએ, રોજ તો અમારી પાસે આવુ જોવાનો પણ સમય હોતો નથી, લારી બંધ છે પણ મારા ટેણિયાઓને તો રોજ જમાડવા પડે, તેમનો પગાર પણ આપવો પડે કારણ તેમના બાપા પણ ગરીબ માણસ છે, મારૂ કોઈ બેન્ક ખાતુ નથી અને કોઈ બચત નથી, મેં કોઈ દિવસ બેન્કમાંથી લોન પણ લીધી નથી.

મને ફુટપાથ ઉપર બેસી વિચાર આવ્યા કરે છે કે અમારી સાથે આવુ કેમ થાય છે. અમે કોઈ દિવસ કોઈનું ખોટું કરતા નથી, કોઈની સામે ફરિયાદ કરતા નથી, કોઈની પાસે કઈ માંગતા નથી છતાં અમારી તકલીફોનો પાર નથી, અમને કોઈ મદદ ના કરે તો વાંધો નહીં, પણ કોઈ અમને નડે જ નહીં તેવા દિવસો ક્યારે આવશે... અમિતભાઈ મને તમારી અને તમારા જેવા નેતાઓ ઉપર બસ આ જ ગુસ્સો આવે છે, અમે તમારી ઓફિસમાં કયારે કોઈ માગણી લઈ આવ્યા નથી, અમારે સબસીડી જોઈતી નથી, અમારે એનએ કરાવી નથી, એફએસઆઈ વધારવી નથી, અમારે એનવાયરમેન્ટ કલીયરન્સ જોઈતુ નથી અમારે તમારી પાસે કઈ જ જોતુ નથી, બસ અમને મહેનત કરવા દો  કારણ અમારા પેટને ખબર નથી કે તમે શહેરમાં આવી રહ્યા છો તે તો સવાર સાંજ રોટલા માગે છે, હવે તો વિજ્ઞાને ખુબ પ્રગતી કરી છે, તમને ખબર હોય તો દિલ્હીથી આવતા અમારી જેવા લારીવાળાઓ માટે ભુખ જ લાગે નહીં તેવી કોઈ દવા લેતા આવજો પછી ચાર દિવસ નહીં ચાલીસ દિવસ ધંધા બંધ રાખીશું.

મને ખબર છે અમારી લારી બંધ કરાવવાનું તમે કહ્યું નથી, પણ આ સરકારી અધિકારીઓ કાયમ જ આવા હરખપદુડા થઈ જાય છે, તમે રસ્તા ઉપર પસાર થાવ અને અમારી લારી ચાલું હોય તો અમે તમને ક્યાં નડવાના છીએ.... ના, પણ બાબુઓ કઈ સમજતા નથી, તમને ઉદ્દઘાટનો માંથી સમય મળે તો આ અધિકારીઓને અમારી વાત કહેજો, વાત મારી એકલાની નથી, લારીવાળો ગુજરાતી હોય, મારવાડી હોય હિન્દુ હોય કે મુસ્લમાન હોય બધાની ભુખ તો એક સરખી છે. કારણ ભુખને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, આમ પણ ધર્મ તો શ્રીમંતનો ઝઘડો છે, મારી લારીની બાજુમાં અયુબનું ગેરેજ છે, અમે રોજ સાથે ટીફીન ખોલીએ છી, પણ હવે અયુબ પણ પાના પક્કડ પેટીમાં મુકી મારી જેમ ફુટપાથ ઉપર બેઠો છે. અમિતભાઈ તમે દેશ બદલવા નિકળ્યા છો ત્યારે આ અધિકારીઓને પણ થોડાક બદલો તેવી વિનંતી છે, તમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા માટે ભગવાન જગન્નાથના દર્શન કરવા જવાનો છો ત્યારે અમારી માટે પણ માંગજો કે ભગવાન અમને કઈ આપે નહીં તો વાંધો પણ પણ પરેશાની ઓછી કરજે.

ભગવાન જગન્નાથ તમારા પરિવાર અને ખાસ કરી તમારી પૌત્રીને સદા ખુશ રાખે

 

લીઃ

તમારો અમદાવારનો ફેરીયો

(ઉપરવાળી તસવીર પ્રતિકાત્મક છે, પાછું........)