પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં (ગુજરાત) જ્યાં સુધી સોશિયલ મીડિયાનું આગમન થયું ન્હોતું ત્યાં સુધી ગુજરાતી માનસીકતા પ્રમાણે વાંચનને ખર્ચ ગણવામાં આવતો હતો. એક જ અખબાર ચાર વ્યક્તિઓ વાંચે તેવી આપણી માનસિકતા હતી. એક ઘરમાં એક જ અખબાર એટલા માટે આવતું કારણ કે અખબારના કિંમતની સરખામણીમાં પસ્તીનો ભાવ આવતો નથી તેવી આપણી માનસિક્તા છે. જ્યાં સુધી પુસ્તક ખરીદવાનો સવાલ છે ત્યાં સુધી ખુદ લેખક કોમ્પ્લીમેન્ટ્રી કોપી આપે તો સારું તેવો પણ ભાવ રહેલો હોય છે. પણ સોશિયલ મીડિયાના આગમને મફત વાંચન અને મફત વીડિયો જોવાના દરવાજા ખોલી નાખ્યા છે.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જે ઘરમાં લાયબ્રેરી ના હોય તે ઘરમાં આજે પણ દીકરી આપવામાં આવતી નથી. કારણ જે માણસ વાંચતો નથી તેના ઘરમાં દીકરી કેવી રીતે અપાય? તે પ્રકારના માનસિક ધોરણો છે. આમ વાંચન માણસના જીવનમાં કેટલું અગત્યનું છે તેનું આ એક ઉદાહરણ છે, પણ ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આપણે અખબાર અને પુસ્તક ખર્ચવામાં આવતા મુલ્યને વધારાનો ખર્ચ માની લઈએ છીએ ત્યારે આપણી જ માનસિક સ્થિતિ કેવી છે તેનો પણ આપણને અંદાજ આવે છે. મલ્ટીપ્લેક્સમાં 2 હજાર રૂપિયા ખર્ચી નાખતા આપણે વિચાર કરતાં નથી પરંતુ 500 રૂપિયાના પુસ્તક ખરીદવા હોય તો આપણે પાંચ વખત વિચાર કરીએ છીએ.

સોશિયલ મીડિયાએ જ્યારે જ્ઞાનના દરવાજા મફત ખોલી નાખ્યા છે ત્યારે કારખાનાની જેમ આપણને ઢગલાબંધ વાંચન અને વીડિયો મળી રહ્યા છે. અનેક લોકો પોતાને મળતા વાંચનને કારણે તેના લેખકથી ખુબ પ્રભાવિત છે અનેક વક્તાઓના વીડિયો હજારોની સંખ્યામાં શેર થાય છે. કેટલાય વક્તાઓને ભાષણ આપવાના હજારો રૂપિયાઓ મળી રહ્યા છે આમ તો આ સારી નીશાની છે કે વક્તાઓને હવે ઉત્તમ માન-ધન મળી રહ્યા છે.

આટલું બધું ઉત્તમ લખાતું હોય અને આટલું બધું ઉત્તમ બોલાતું હોય તો તે જીંદગીઓને કેટલું અસર કરે છે તેવો પણ એક પ્રશ્ન થાય. એક માન્યતા એવી છે કે જે લોકો ઉત્તમ લખે છે તે લોકોએ ઉત્તમ જીવવું જોઈએ તેવી અપેક્ષા લેખકો પાસે રાખવી ન જોઈએ તેવું માનતો પણ એક વર્ગ છે, કારણ કે લેખન, વક્તવ્ય અને લેખક-વક્તાની વ્યક્તિગત જીંદગી આ બંને અલગ બાબતો છે તેને જોડવી જોઈએ નહીં તેવું આ વર્ગ માને છે. પણ આ ઉત્તમ લખાયેલું અને ઉત્તમ બોલાયેલા વાક્યો કેટલો સમય ટકશે અને ક્યાં સુધી લોકોની જીંદગીને અસર કરશે તેવો પ્રશ્ન આવે ત્યારે નજર ગાંધીજી ઉપર સ્થિર થાય છે. ગાંધી જેવું બોલ્યા, જેવું તેમણે લખ્યું અને તેવું જ તે જીવ્યા. જેના કારણે તેમના શબ્દો અને લેખન ચીરકાલીન થઈ ગયા. ગાંધી માટે ધિક્કાર ફેલાવવાના લાખ પ્રયત્નો છતાં ગોડસેની ગોળી અને ધિખ્ખારના અખલિત વરસાદ વચ્ચે પણ ગાંધી જીવી ગયા. આમ આવા અનેક ઉદાહરણો છે કે લખનાર જો તેવું જીવતો નથી તો તેનું લેખન ક્ષણિક પ્રભાવિત કરી શકે પણ તે લોકોના જીવનને અસર કરી શક્તું નથી.

લાખો રામ કથા અને ભાગવત કથાઓ છતાં લોકોના જીવન બદલાતા નથી, કારણ કે કથાકારના શબ્દો પ્રભાવી હોય છે પણ કથાકારનું જીવન નહીં. જેના કારણે રામ અને કૃષ્ણને જીવીત રાખવા કરોડોના મંદિર બનાવવા પડે અને એક પોતળી વાળો લેખક વગર મંદિરે વિશ્વના અનેક હૃદયોમાં મંદિર બનાવી દે. (સહાભારઃ ગુજરાત મિત્ર)