પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દારૂ-જુગારના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડે એટલે તરત સબઈન્સપેકટર અને ઈન્સપેકટરને જવાબદાર ઠરાવી તેમને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવે છે. તત્કાલીન ડીજીપી એસ એસ ખંડવાલાએ કરેલા પરિપત્ર પ્રમાણે દારૂ-જુગારના કેસમાં સંબંધીત આઈપીએસ અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરી તેમની સામે પણ પગલાં ભરવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જો કે આજ સુધી દારૂ જુગારના કેસમાં કોઈ આઈપીએસ જવાબદાર ઠર્યા નથી. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મંગળવાની રાતે જુગારની બીજી રેડ કરવામાં આવી હતી, પણ આશ્ચર્યની બાબત એવી છે કે જ્યારે રેડ પડી ત્યારે આ કલબમાં ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી જેઓ રથયાત્રાના બંદોબસ્તમાં આવ્યા છે તેમના માટે રાત્રી ભોજન રાખવામાં આવ્યુ હતું. આમ જ્યાં આઈપીએસ અધિકારીઓ જમી રહ્યા હતા,  ત્યાં જ જુગાર રમાઈ રહ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મંગળવારની રાત્રે કાંકરિયા વિસ્તારમાં આવેલી ઈકા કલબના બીજા માળે દરોડો પાડતા 12 જેટલી વ્યકિતઓ જુગાર રમતા પકડાઈ હતી, આ પકડાયેલા લોકો કલબના સભ્યો પણ નથી પોલીસે ત્યાંથી 17 લાખનો મુદ્દામાલ પણ પકડાયો હતો, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર એસ એસ મોદી ઉપર ઉપરી અધિકારી અને નેતાઓની ચાર હાથ હોવાને  કારણે  સ્ટેટ મોનીટરીંગ સેલે સોમવારે પણ આ વિસ્તારમાં જુગારના દરોડા પાડયા છતાં કાગડાપીઠ પોલીસે પોતાના વિસ્તારમાં ધંધા બંધ કરાવવાની તસ્દી લીધી નહીં. પણ આશ્ચર્ય તે બાબતનું છે કે અમદાવાદ શહેરમાં નિકળનારી રથયાત્રા માટે બહારથી આવેલા આઈપીએસ અધિકારીઓ માટે અમદાવાદના આઈપીએસ અધિકારીઓ દ્વારા આ ઈકા કલબમાં જ રાત્રી ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલે જયારે ઈકા કલબમાં દરોડો પાડયો ત્યારે આ આઈપીએસ અધિકારીઓ ત્યાં જમી રહ્યા હતા. અમારી પાસે ત્યાં જમી રહેલા અધિકારીઓના નામ પણ છે પરંતુ તેમનું ઔચીત્ય જાળવા અમે તેમના નામનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ આ ઈકા કલબમાં જો કાગડાપીઠ ઈન્સપકટરે જ જમવાની વ્યવસ્થા કરી હોય અને દરોડા પડે તો વાત વધુ ગંભીર બની જાય છે.

ઈકા કલબના માલિકો અત્યંત વગદાર લોકો હોવાને કારણે આ કલબમાં પ્રવેશ કરવાનો અધિકાર કાગડાપીઠના પોલીસ ઈન્સપેકટરને પણ નથી. જો કે આ કલબમાં જુગાર રમાડતા પહેલા કાગડાપીઠ પોલીસની મંજુરી લેવામાં આવી હતી, આ જુગારધામમાં પોલીસ ઈન્સપેકટર ભલે પ્રવેશ કરવાની હિંમત કરતા ન્હોતા પરંતુ નીતિન નામનો એક પોલીસ કોન્સટેબલ રોજ આ કલબમાં આવી પોતાના હિસાબ સમજી જતો હતો, આ વિસ્તારમાં પોલીસ ઈન્સપેકટર કરતા નીતિનનો દબદબો વધારે છે.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે એ કે સિંગને મુકયા પછી તેઓ કડક અને પ્રમાણિક અધિકારી હોવાની છાપ લોકો અને પોલીસમાં ઉભી થઈ હતી, એ કે સિંગની પ્રમાણિકતા અંગે કોઈ પ્રશ્ન નથી પરંતુ તેમની પ્રમાણિકતા છતાં અમદાવાદ પોલીસ પોતાના ધંધાઓ બેફામ ચલાવી રહ્યા છે.

પોલીસ ઈન્સપેકટરો સિંગથી ડરતા હોવાનો ડોળ કરે છે પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં તો પોતાની ઈચ્છા પ્રમાણેના જ ધંધાઓ ચલાવે છે. તેમને એ કે સિંગનો કોઈ ડર લાગતો નથી. પોલીસ અધિકારીઓમાં એવી પણ ચર્ચા છે કે એ કે સિંગ કડક હોવાની છાપ છે પરંતુ ગાંધીનગરથી સૂચના મળે ત્યારે તેઓ બધી બાબતો બાજુ ઉપર મુકી ગાંધીનગરનો જ આદેશ માને છે.

અમદાવાદમાં લાંબા સમયથી પડી રહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાછળ પોલીસ કમિશનર એ કે સિંગ અને ડીજીપી શિવાનંદ ઝા વચ્ચે ચાલી રહેલુ શીતયુધ્ધ જવાબદાર હોવાની વાત છે. શિવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે શહેરમાં દારૂ જુગાર સહિત કોલ સેન્ટરો ખુબ ચાલી રહ્યા હતા અને તે માટે શિવાનંદ ઝા જવાબદાર હતા તેવો જે સુર ઉભો થયો તેની પાછળ એ કે સિંગ હતા તેવું શિવાનંદ ઝા માને છે અને તેના કારણે શિવાનંદ ઝાની બદલી થઈ હતી અને એ કે સિંગ પોલીસ કમિશનર થયા હતા. હવે શિવાનંદ ઝા ડીજીપી છે ત્યારે સ્ટેટ મોનટરીંગ સેલ દ્વારા અમદાવાદમાં દરોડા પડી રહ્યા છે. તેના કારણે એવું દ્રશ્ય ઉભુ થઈ રહ્યું છે કે એ કે સિંગના સમયમાં પણ દારૂ જુગાર યથાવત ચાલી રહ્યો છે.