મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં ફક્ત કહેવાતી દારૂબંધી છે લોકડાઉન હોય કે પછી સામાન્ય દિવસ રાજ્યમાં બુટલેગરોને કેટલાક ઉચ્ચ અધિકારીઓના વહીવટદારોના છુપા આશીર્વાદ અને રાજકીય આકાઓના પીઠબળ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. વિદેશી દારૂના ધધામાં રહેલી મબલખ કમાણીની લાલચમાં અનેક પોલીસકર્મીઓ બુટલેગર બની વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાઈ ચુક્યા છે .

કડીમાં પકડાયેલા દારૂમાંથી કાઢેલો અને મુદ્દામાલનો દારૂ વેચાણ કરવાના કિસ્સામાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવતા તેમની સામે ગુન્હો નોંધાયા પછી હજુ સુધી પોલીસે એક પણ આરોપી પકડ્યો નથી ત્યાં ગાંધીનગર એલસીબી પીએસઆઈ ઝાલાએ ડુમેચા નજીક ટ્રાવેરા માંથી ૧ લાખ રૂપિયા જેટલો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. બુટલેગરોએ એલસીબી પોલીસને ગઢવી સાહેબ સાથે ફોન પર વાત કરી લો તેમ જણાવતા પીએસઆઈ ઝાલા ચોકી ઉઠ્યા હતા અને ગઢવી નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા પછી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો ગઢવી નામનો પોલીસકર્મી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસ પાસેથી તપાસ છીનવી લઈ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અરવલ્લીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ડીવાયએસપી જ્યોતિ પટેલના જણાવ્યા અનુસાર 

સમગ્ર પ્રકરણ અંગે ડીવાયએસપી જ્યોતિ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ત્રણે આરોપીઓનો કોરન્ટાઈન સમય પૂરો થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ૫ દિવસના રિમાન્ડ મળતા તપાસ ચાલુ છે અરવલ્લી જીલ્લા પોલીસકર્મીની આ કેસમાં કોઈ ભૂમિકા છે કે નહિ તે હાલ તપાસ ચાલુ હોવાથી કઈ પણ કહેવા ઇન્કાર કર્યો હતો.
 
સ્ટેટ વિજિલન્સને તપાસ સોંપતા પોલીસબેડામાં તરેહ તરેહ ની ચર્ચા 

ગાંધીનગર રખિયાલથી પકડાયેલા માત્ર ૧ લાખના દારૂના પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપીને સાંપવામાં આવતા તે જોતા આ અધિકારીને છાવરવા અને બચાવવાનો તખતો ગોઢવાઇ ગયો હોવાનું અને એક અધિકારીની રહેમનજર હેઠળ જિલ્લાની બોર્ડરો પરથી દારૂના મોટા બુટલેગરો બિન્ધાસ્ત દારૂ ઠાલવવામાં આવતો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે. જો કે આ તમામ કિસ્સાની તટસ્થ તપાસ થાય તો જિલ્લા અને શહેરોથી લઇ પોલીસ ભવન સુધીના અનેક વહીવટદારોના નામ બહાર આવી શકે છે. જોકે અરવલ્લીમાં પોલીસ કર્મીની સંડોવણી અને ટ્રાવેરા કારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂ પોલીસ મુદ્દામાલનો દારૂ હશે કે કેમ? તે અંગે હાલ તો અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.