મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતની એસટી બસ અને તેના તંત્રની કામગીરી અને હાલત અંગે આપ જાણો જ છો. જોકે હાલમાં ઘણા સુધારા-વધારા કરાયા પરંતુ છતાં રાજ્યની એસટી બસોનું ખાનગીકરણ થાય તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી હોવા સહિતના આક્ષેપ સાથે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે તેમજ એસ.ટી.ને બચાવવા માટે એસ.ટી. બસના કર્મચારીઓ અને મજદુર સંઘ દ્વારા ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાને આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા અને કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જોકે અહીં પણ કોઈએ સોશિયલ ડિસ્ટંસિંગ જાળવ્યું ન હતું. હાલના સંજોગોમાં તમામ પ્રશ્નો અને મુદ્દાઓ સાથે કોરોનાને પણ ધ્યાને લેવો અત્યંત જરૂરી છે.

ભિલોડા એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ભિલોડાના ધારાસભ્યને આવેદનપત્ર આપતાં જણાવાયું હતું કે, ૧૯૫૦થી આર.ટી.ઓ. એકટ મુજબ પરિવહન નિગમની સ્થાપના કરવામાં આવી છે. પ્રજાની સેવા માટે ઓછા નફાએ મુસાફરોના હિંતમાં અનેક બસો દોડાવવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાજયની મધ્યમ અને ગરીબ પ્રજાની પરિવહન સેવા ન ખોરવાય અને મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસ.ટી. બસો ચાલુ રાખવામાં આવે તેવી માંગણી છે. એસ.ટી. નિગમ દ્વારા નહી નફો નહી નુકશાનના ધોરણે રાજયની પ્રજાને બસ સેવાનો લાભ આપવામાં આવે છે. પરંતુ કેટલાક સમયથી એસ.ટી.નું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ હોય તેવી ગતિવિધીઓ શરૂ કરાઇ છે. કોરોના મહામારીના સમયે પણ નિગમના કર્મચારીઓ પોતાને કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પ્રજાના હિતમાં એસ.ટી. નિગમનું ખાનગીકરણ ન કરાય અને કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઝડપતી નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી સાથે ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાને આવેદનપત્ર આપી રજુઆત કરાઇ હતી.