પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : વાત 1998ની છે,પત્રકારત્વમાં આવી મને દસ વર્ષ થઈ ગયા હતા,છતાં મારી અલ્લડગીરી,તોફાન અને પત્રકારત્વમાં લડી લેવાની આક્રમતા યથાવત હતી, હું અમદાવાદના બહુ એક મોટા અખબારમાં ક્રાઈમ રીપોર્ટર તરીકે કામ કરતો હતો, મેં એક સ્ટોરી લખી અને એક મોટુ સમુહ નારાજ થઈ ગયો, મારી સ્ટોરીને કારણે તે સમુહની મિટીંગો શરૂ થઈ,સભાઓ થઈ અને રેલીઓ નિકળી,જે માલિક-તંત્રી ઉપર ભરોસો હતો તે ભાંગી ભુક્કો થઈ ગયો, તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા, જો કે તેની મને ફિકર ન્હોતી,કારણ બેફિકરો મારો સ્વભાવ હતો

હું સ્વભાવ પ્રમાણે આખી ઘટનાનો ભાર ખંખેરી નવી સ્ટોરીની શોધમાં લાગી ગયો હતો,બે ત્રણ દિવસ પછી મોડી રાત્રે મારા ઘરે પોલીસના વાહનો આવ્યા મને આ્શ્ચર્ય થયુ કે પોલીસ કેમ આવી? પોલીસના વાહનો સાથે આવેલી અધિકારીએ મને જાણકારી આપી કે ઈન્ટેલીઝન્સ બ્યુરોને જાણકારી મળી છે કેટલાંક નારાજ લોકોએ તમારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે, જેના કારણે હવે તમારી ઘરે છ એસઆરપી જવાન અને તમે જયાં જશો ત્યાં તમારી સાથે હથિયાર સાથે એક ગાર્ડ રહેશે, મારુ ઘર ખુબ નાનુ, પણ પોલીસનો તંબુ મારા ઘરની બહાર લાગી ગયો,મને ત્યારે ઘટનાની ગંભીરતા સમજાઈ,મારી પાસે ત્યારે કાર પણ ન્હોતી, હું મારી મોટર સાયકલ ઉપર નિકળુ એટલે હથિયાાર સાથે પોલીસવાળો પાછળની સીટમાં ગોઠવાઈ જાય

આ ઘટનાના બે વર્ષ પહેલા મારા પિતાજીનું અવસાન થઈ ચુકયુ હતું,ઘરમાં હું મારી પત્ની શીવાની, મારો દિકરો આકાશ,ત્યારે તે પણ બે વર્ષનો હતો,મારી માં,ભાઈ-ભાભી અને ભત્રીજી હતા, અમે બધા જ સતત પોલીસ પહેરામાં જીવવા લાગ્યા હતા હું રોજ પ્રમાણે ઓફિસ જતો,રીપોર્ટીંગમાં જતો, મારૂ કામ યથાવત હતુ,મારી સાથે પોલીસની સતત હાજરીના કારણે મારૂ સ્ટેટસ કોઈ મિનીસ્ટર જેવુ થઈ ગયુ હતુ,પણ હું જયારે પણ બહાર નિકળુ ત્યારે મારી નજર સતત આસપાસ ફર્યા કરતી હતી સાથે પોલીસ હતી છતાં મારુ નાક આવનાર તોફાનના એંધાણને સુંધવાનો પ્રયાસ કરતુ હતું.

શીવાની આખી ઘટના નિર્લીપ્ત ભાવે જોયા કરતી હતી એક સવારે મારી માંએ મને બોલાવ્યો, અને પુછયુ મરવાની બહુ બીક લાગે છે? મને સવાલ બહુ વિચીત્ર લાગ્યો, મનમાં થયુ કે મરવાની બીક કોને લાગે નહીં, તે મારી આંખોમાં ફેરફાર થઈ રહેલા ભાવે વાંચવાનો પ્રયાસ કરતી હતી, મેં નાના બાળકની જેમ તેની સામે જોયુ, અને કહ્યુ મરવાની તો બીક લાગેજ ને... તેના ચહેરા ઉપર એક આછુ સ્મીત આવ્યુ તેેણે મારા ખભા ઉપર હાથ મુકયો અને કહ્યુ જયારે તમને ડર લાગે ત્યારથી તમારા મૃત્યની શરૂઆત થાય છે, મરવાનું તો આપણે બધાએ જ છે એક માં તરીકે તુ મારી પહેલા મરે તેવુ હું કયારેય ઈચ્છતી નથી, પણ તને ડર લાગે છે તેનો અર્થ તુ રોજ મરી રહ્યો છે

હું તેની સામે અવાક બની જોઈ રહ્યો હતો મારા મનમાં હતું કે આ માહોલમાં તે ડરી ગઈ હશે, પણ સ્થિતિ સાવ ઉલ્ટી હતી,તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ મને ઈશ્વર ઉપર ખુબ શ્રધ્ધા છે મને ખબર છે તને મારવો એટલો સહેલો નથી, છતાં કદાચ તને મારી પણ નાખે તો હુ એક દિવસ રડી લઈશ, પણ મારો પ્રશાંત રોજ ડરને કારણે મરતા મરતા જીવે તે મને મંજુર નથી, અત્યારે હું આ લખી રહ્યો છુ,ત્યારે મને ખબર છે કે એક માં તરીકે મારા મનમાંથી મૃત્યુ ડર કાઢવા માટે તેને કેટલી હિમંત કરવી પડી હશે, હું મારી માં સામે જોઈ રહ્યો, તેણે મને કહ્યુ તને મારી વાત સાચી લાગતી હોય તો આજે જઈ આ પોલીસવાળાને પાછા મોકલી દે,હું તે જ દિવસે પોલીસ સ્ટેશન ગયો અને મને કોઈ રક્ષણની જરૂર નથી તેવુ લેખિતમાં આપી પોલીસને પાછી મોકલી આપી

મારી માં દસ વર્ષ પહેલા કેન્સર સામેની લડાઈ હારી અમને મુકી જતી રહી,આજે પણ મને જયારે ડર લાગે ત્યારે મને તેના શબ્દો ફરી લડવાની તાકાત આપે છે,ત્યારે મને લાગે છે કે આજે પણ તે મારી હિમંત વધારવાનું કામ કરી રહી છે, એક સામાન્ય સરકારી નોકરી કરનારની મારી માં સંપત્તી અથવા મિલ્કત આપી શકી નથી, પણ સતત લડતા રહેવાની શીખ અને ડર્યા વગર જીવવાની તાકાત આપી ગઈ,જે કદાચ કોઈ સંપત્તી કરતા વધુ મુલ્યવાન છે. મને લાગે છે કે દરેક માં આવી જ હોય છે ઈશ્વરને ખબર હશે કે તે આપણી સાથે કાયમ રહેવાનો નથી,એટલે જ આપણી સંભાળ માટે તેણે માંનું સર્જન કર્યુ હશે