મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): આજે ગુજરાતનો ૬૧મો સ્થાપનાદિવસ છે. અને ગુજરાતીઓ અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યાં છે. જેમાં ગુજરાતીઓની જીત નક્કી જ છે. એવું હું દૃઢપણે એટલા માટે કહી શકું છું કારણ કે, આ ગુજરાતને ક્યારેય મેં હારતાં જોયું નથી કે ક્યાંય સાંભળ્યું પણ નથી.

કુદરતી આફત (2001નો ભૂકંપ), આતંકવાદી હુમલો (2008ના સિરિયલ બ્લાસ્ટ, અક્ષરધામ હુમલો), અસાધ્ય અને ચેપીરોગ સામેની લડાઈ (૧૯૩૨થી ૧૯૩૫ દરમિયાન ફેલાયેલો પ્લેગ), અંગ્રેજો સામેની લડાઈ (બોરસદનો સત્યાગ્રહ કે પછી આઝાદીની લડત) હોય. ગુજરાત હંમેશા લડવામાં અને સફળ થવામાં મોખરે રહ્યું છે. ગુજરાતને જાણે દરેક પ્રકારાની આપત્તિઓનો સામનો કરી સફળ થઈને ફરી પાછાં ધમધમતાં થવાની આદત પડી ગઈ છે.

આઝાદ ભારતના નકશા પર ૧લી મે ૧૯૬૦થી ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. પણ એના બીજ ઘણાં વર્ષો અગાઉ રોપાયા હતા. આઝાદ ભારતમાં ગુજરાતનો વિચાર 'કુમાર' નામના સામયિકમાં 1928માં પ્રકાશિત થયો હતો. આઝાદીના લડવૈયા અને પ્રસિદ્ધ લેખક ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. તેઓએ 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં પોતાનાં વક્તવ્યમાં આ પ્રસ્તાવ મુક્યો હતો. તથા ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલી 'ઉથરીષ્ટ જાગ્રત' નામની કવિતામાં જોવા મળ્યો હતો.

આઝાદી બાદ વર્ષ ૧૯૫૬માં ‘સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ’ મુજબ ભાષાના આધારે રાજયોની સીમા નક્કી કરવામાં આવી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા. 6 ઑગસ્ટ, 1956ના દિવસે બોમ્બેને દ્વિભાષી રાજ્ય જાહેર કરવામાં આવ્યું. ભાષાના આધારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો અને અલગ રાજ્યની માગણી સાથે મહાગુજરાત આંદોલન શરૂ કરવામાં થયું. જે સમય જતાં હિંસક બની ગયું. જેની નોંધ લઈને દિલ્હીમાં ૬ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ આ પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની બેઠક મળી. બેઠકના બીજા જ દિવસે બોમ્બે રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ. આખરે બોમ્બે સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યાં.

૩૦ એપ્રિલ, ૧૯૬૦ની મધરાતે રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતનો જન્મ થયો. એટલે કે આજથી ૬૦ વર્ષ પહેલાં ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા. એ શપથ સમારોહનું સાદગીભર્યું આયોજન સાબરમતી ગાંધીઆશ્રમમાં લીમડાનાં એક ઝાડ નીચે થયું હતું.

પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાને જવાબદારી સોંપવામાં આવી. જેમનાં નામ મંત્રી તરીકે જાહેર થયાં હતાં. એ બધા મહાનુભાવો તા.28 એપ્રિલે ટ્રેન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. સચિવાલય એ સમયે અમદાવાદમાં હતું પાંચ પ્રધાનો અને આઠ નાયબ મંત્રીઓ સાથે આખું મંત્રીમંડળ કુલ ૧૪ સભ્યોનું હતું. ૧૪માંથી બે મંત્રીઓ મહિલા હતાં. ગુજરાતના ઇતિહાસનું આ નાનામાં નાનું પ્રધાનમંડળ હતું. ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળમાંથી કોઈ મંત્રી નીકળે તો ગાડીઓના કાફલા જોવા મળતા નહીં. સલામતી વ્યવસ્થા પણ નહિવત્ રહેતી. નાગરિકો આસાનીથી પ્રધાનોને મળી શકતા હતા.